અમદાવાદઃ શહેરના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે બુધવારે વહેલી સવારે એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી બીઆરટીએસ બસની ટક્કરે મોત નીપજ્યું છે. મૃતક છાપા વિતરણનું કામ કરતો હતો અને આજે સવારે ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ટોળેટોળાં એકઠાં થયાં હતાં, જેથી બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. લોકોએ બસ-ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય બીઆરટીએસ વગેરે નારા લગાવ્યા હતા. બી ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી બીઆરટીએસ બસચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીકના સીસીટીવી ફૂટેજ મુજબ એક્ટિવા ચાલક રોડ ક્રોસ કરતો હતો ત્યારે તેણે બસને આવતી જોઈ ન હતી અને બસ સાથે ટક્કર વાગી હતી. બસ ડ્રાઈવરનું નામ શંકર દયામા છે. પોલીસ તપાસ ચાલી રહી છે. શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં જલુભાઈ દેસાઈ તેમનાં પત્ની અને બે બાળકો સાથે રહેતાં હતાં. જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હતા.
આજે વહેલી સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા ગયા હતા. 6.30ની આસપાસ એક્ટિવા લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે પલ્લવ ચાર રસ્તા પાસે રોગ સાઈડમાં આવેલા બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસ-ચાલકે ટક્કર મારી હતી, જેથી જલુભાઈ નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108ને એક નરસિંગ સ્ટાફ યુવકે ફોન કરી જાણ કરી હતી. જલુભાઈને યુવકે પંપિંગ કર્યું હતું, પરંતુ ઓક્સિજનની વધુ જરૂર પડી હતી, જેથી જલુભાઈનું મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે મૃતકનાં પરિવારજનો અને સમાજના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. બીઆરટીએસ બસનો ડ્રાઇવર લોકોનો રોષ જોઈને બસની ઉપર ચડી ગયો હતો. ન્યાય માટે તેમણે હાય હાય બીઆરટીએસ ના નારા લગાવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાળ્યો હતો. હાલ લાશને પીએમ માટે મોકલી પોલીસે બીઆરટીએસ બસ ડ્રાઇવરની અટકાયત કરી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
શહેરમાં બ બીઆરટીએસ બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત છે. ગત ડિસેમ્બર મહિનામાં શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી હતી. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી. બીઆરટીએસ બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
(PHOTO- FILE)