Site icon Revoi.in

અમદાવાદઃ કોરોનાને પગલે કેમ્પ હનુમાન મંદિર ભક્તોના દર્શન માટે બંધ કરાયું

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર હરકતમાં આવી છે અને જરૂરી નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ધાર્મિક સ્થળો ફરીથી ભક્તો માટે બંધ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરમાં દર શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા મંદિર સત્તાવાળાઓ દ્વારા તા. 31મી જાન્યુઆરી સુધી મંદિર ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધારે નિર્ણય લેવામાં આવશે. ભક્તોમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના આરંભ સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. બીજી તરફ સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં નોંધાયો છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ સરેરાશ 10 હજારથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. જ્યારે અમદાવાદમાં પણ પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.