અમદાવાદઃ શહેરમાં એર પોલ્યુશન યાને હવાનું પ્રદુષણ વધતુ જાય છે. શુક્રવારે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી અને આ સાથે અમદાવાદે દિલ્હીને પણ પ્રદૂષિત શહેરોની યાદીમાં નંબર એકની સ્થિતિથી બહાર કરી દીધું હતું. દેશમાં ચાર શહેરોમાં એર પોલ્યુશન સૌથી વધારે નોંધાતું હોય છે. સીસ્ટમ ઓફ એર ક્વોલીટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. જેમાં અમદાવાદે સૌથી ખરાબ હવા ગુણવત્તા સૂચકાંકનો રેકોર્ડ તોડ્યો હતો.
અમદાવાદ શહેરમાં શુક્રવારે સવારના સમયમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું અને સાંજે 7 કલાકની આસપાસ વધીને 329 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થયું હતું. પ્રદૂષણના આ સ્તરને જનસંખ્યા, ખાસ કરીને સંવેદનશીલ જૂથ માટે નુકસાનકારક માનવામાં આવે છે. સફર ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, અમદાવાદ અને તેની આસપાસના ત્રણ વિસ્તારો લેકાવાડા, રાયખડ અને બોપલનું એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી વધુ છે. જે બાદ મુંબઈના મલાડ અને મઝગાંવનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશની રાજધાની દિલ્હી દુનિયાના સૌથી પ્રદુષિત શહેર તરીકે જાણીતું છે. ત્યાંની હવાની ગુણવત્તા શુક્રવારે અમદાવાદ કરતાં ઘણી સારી હતી. સવારે 176 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને સાંજે 132 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું. આંકડા દર્શાવે છે કે, અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સુધી હવાની ગુણવત્તાની ‘ખૂબ જ ખરાબ સ્થિતિ’માં કોઈ રાહત નથી. જો કે, આગામી દિવસોમાં દિલ્હી અને મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધરવાની શક્યતા છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકોને ભારે પરિશ્રમ કરવા માટે ચેતવણી આપી છે. હૃદય અથવા ફેફસાની બીમારી ધરાવતા દર્દીઓ, વયસ્કો અને બાળકોએ લાંબા સમય સુધી અથવા ભારે પરિશ્રમ કરવાથી દૂર રહેવું જોઈએ. શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે સ્વાસ્થ્યને લગતી તકલીફ ઉભી કરી શકે છે.
પર્યાવરણવિદો એવુ માની રહ્યા છે. કે, પીએમ 2.5 અને પીએમ 10 ધૂળના કણો અને રસ્તા પર દોડતા વાહનોના કારણે થતા પ્રદૂષણ સાથે સંકળાયેલા છે. ‘મેટ્રોનું કામ અને ખોદકામ પ્રદૂષણની સમસ્યામાં વધારો કરે છે. શહેર પાસે વિશ્વસનીય જાહેર પરિવહન નથી. બીઆરટીએસ, જેની પાસે માત્ર 300 બસ છે, તેણે ટ્રાફિકની ભીડ અને વાહનોના પ્રદૂષણમાં ફાળો આપી રહ્યા છે. દરમિયાન એએમસીના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રદૂષણની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. શહેરની હરિયાળી માટે કેટલાક પ્રોજેક્ટ પર કામ કરવાાં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં રજકણોના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે વોલ ટુ વોલ કાર્પેટિંગ માટે નીતિગત નિર્ણય લીધો છે. એક ટ્રાફિક અધિકારીએ કહ્યું હતું કે, રાયખડ અને બોપલ જેવા વિસ્તારો વધારે ગીચતા ધરાવતા વિસ્તારો છે. આ સિવાય, બોપલમાં કન્સ્ટ્રક્શન કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, આ ધૂળના કણોના કારણે તે શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંથી એક બને તે નક્કી હતું.