Site icon Revoi.in

અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવને 22મી સપ્ટેમ્બરે હાજર રહેવા સમન્સ પાઠવ્યું

Social Share

અમદાવાદઃ બિહારના મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહેતા તેમની સામે અમદાવાદમાં રહેતા હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.આ કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં સોમવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અત્યારસુધીમાં કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. તેમ જ ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વીડિયોના ઓરિજિનલ પ્રૂફ લેવામાં આવ્યા હતા. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. સમન્સમાં તેજસ્વી યાદવને 22મી  સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

અમદાવાદની મેટ્રો કોર્ટમાં અરજદાર હરેશ મહેતા દ્વારા બિહારના મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી.આ કેસમાં મેટ્રો કોર્ટમાં અગાઉ સુનાવણીમાં અરજદારના વકીલ દ્વારા કોર્ટ ઇન્કવાયરી ક્લોઝિંગની પ્રોસિજર રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 8 ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં સીઆરપીસીના નિયમ 202 મુજબ, ઇન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે આરોપી તેજસ્વી યાદવ સામે નિયમ 204 અંતર્ગત સમન્સ કાઢવા માગ કરી હતી. અરજદારના વકીલ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 364 જ્ઞાતિના લોકો રહે છે. કોઈ એક વ્યક્તિને કંઈ કહ્યું હોય તો ઠીક, આ સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન છે. આરોપી એક રાજ્યના ઉપમુખ્યમંત્રી છે. તેનું નિવેદન સમાજના લોકોને અસર કરે છે. આ કેસમાં 15 જેટલા સાક્ષીઓની જૂબાની લેવાયા બાદ તેજસ્વી યાદવને 22મી સપ્ટેમ્બરે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

આ કેસમાં અરજદારના વકિલે અગાઉ ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’ તેજસ્વી યાદવના આ નિવેદનથી ગુજરાતીઓનું અપમાન થયું છે.

અમદાવાદના નરોડામાં રહેતા હરેશભાઈ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને ‘ઠગ’ કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ થઈ છે. 1 મેએ મેટ્રો કોર્ટમાં આ મુદ્દે ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેનડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા.