અમદાવાદ, 29 ડિસેમ્બર 2025 : પર્યાવરણની જાળવણી માટે કડક બનેલા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ મંજૂરી વગર વૃક્ષ કાપતા તત્વો સામે લાલ આંખ કરી છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં એક રહીશે મંજૂરી લીધા વિના ઝાડ કાપી નાખતા તંત્ર દ્વારા તેની પાસેથી રૂ. એક લાખનો મસમોટો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની આ આકરી શિક્ષાત્મક કાર્યવાહીને પગલે ગેરકાયદે વૃક્ષ છેદન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઈસનપુર વિસ્તારમાં આવેલી સુવિતા પાર્ક સોસાયટીમાં એક રહીશ દ્વારા સોસાયટીના કમ્પાઉન્ડમાં રહેલા ઝાડને કોઈપણ પૂર્વ મંજૂરી વગર કાપી નાખવામાં આવ્યું હતું. આ અંગેની જાણ અમદાવાદ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને થતા અધિકારીઓએ તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસમાં મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થતા તંત્રએ કાયદાનો કોરડો વીંઝ્યો હતો.
- પર્યાવરણના રક્ષણ માટે મનપાની લાલ આંખ
અમદાવાદ શહેરને હરિયાળું બનાવવા માટે એક તરફ ‘મિશન મિલિયન ટ્રી‘ જેવા અભિયાન ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ વૃક્ષોનું નિકંદન કાઢતા લોકો સામે મનપાએ આકરું વલણ અપનાવ્યું છે. ઈસનપુરની આ ઘટનામાં મનપાએ પર્યાવરણને થયેલા નુકસાન બદલ રહીશને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મહાનગરપાલિકાના નિયમ મુજબ ખાનગી કે જાહેર જગ્યાએ રહેલું ઝાડ જો જોખમી હોય કે નડતરરૂપ હોય, તો તેને કાપતા પહેલા ગાર્ડન વિભાગની લેખિત મંજૂરી લેવી અનિવાર્ય છે. મંજૂરી વગર ડાળખી છાંટણી કે આખું ઝાડ કાપવું એ ગુનો બને છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદે વૃક્ષ છેદન કરે તો તેની સામે રોકડ દંડથી લઈ કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ છે.
AMC ની આ કાર્યવાહીને પર્યાવરણ પ્રેમીઓએ આવકારી છે. લોકોનું કહેવું છે કે આવા કડક દંડને કારણે લોકો બિનજરૂરી રીતે ઝાડ કાપતા અટકશે. બીજી તરફ, મનપાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરની હરિયાળી સાથે છેડા કરનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃબાંગ્લાદેશમાં હિંસા: પિરોજપુરમાં હિન્દુ પરિવારના ઘરને ફૂંકી માર્યું

