Site icon Revoi.in

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે બ્રેઈનડેડ દર્દીઓનું અંગદાન

Social Share

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન થયા છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ બે અંગદાનથી પાંચ જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે. આ બે અંગદાનમાં મળેલ ચાર કિડની અને એક લીવરને જરુરીયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૦ માં અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં રહેતા 30 વર્ષના અવધૂત બાહરે નામના વ્યક્તિને સ્ટ્રોક આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. જેથી અંગોના રીટ્રાવેલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ અંગદાન થકી પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાન સાથે જોડાયેલ સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ નિષ્ઠાપૂર્વક અંગદાનની પ્રવૃત્તિ દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન આપવા માટે કટિબદ્ધ છે. આજે દિલિપ દેશમુખ (દાદા)ની ઉપસ્થિતિમાં હોસ્પિટલમાં 130 મું અંગદાન થયું છે તેમ ડૉ. જોશીએ ઉમેર્યું હતું.

ગુજરાતમાં અંગદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે લોકો મોટી સંખ્યામાં લોકો અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપ અમદાવાદ સહિત રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન કરવા માટે પરિવારજનો આગળ આવી રહ્યાં છે.