અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્રોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતના નિરાકરણ માટે વિવિધ દેશો દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ પ્રદુષણને કાબુમાં લાવવા માટે અનેક વૃક્ષોનું વાવેતર કર્યું છે. ચાર વર્ષમાં શહેરમાં 15 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 ટકા નિષ્ફળ રહ્યાં હોવાનો દાવો મનપાના વિપક્ષના નેતાએ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સામાન્ય કરતા વધારે રહે છે. દેશમાં દિલ્હી અને મુંબઈની જેમ અમદાવાદમાં પણ પ્રદુષણનું પ્રમાણ વધ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ચાર વર્ષના સમયગાળામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં 15 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષોના વાવેતર પાછળ લગભગ 12.30 કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તેનું યોગ્ય જતન અને ઉછેર બરાબર થતો નથી. જેથી વાવેલા અનેક વૃક્ષો કરમાઈ ગયો છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા મહાનગર પાલિકાની બેઠકમાં સત્તાધારી ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા.
કોંક્રિટના જંગલ બની ગયેલા અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વિકાસ કાર્યો થયાં છે. તેમજ વિસ્તારમાં પણ વધારો થયો છે. પરંતુ વિકાસના નામે અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યાના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.