Site icon Revoi.in

અમદાવાદ: મોતનો બ્રિજ બનેલા બલોલનગર બ્રિજ પર આખરે પ્રોટેક્શન ગ્રિલ લગાવાઈ

Social Share

અમદાવાદ, 16 મે 2026: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો બલોલનગર બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જીવલેણ અકસ્માતોનું એપીસેન્ટર બની ગયો હતો. બ્રિજ પરથી અકસ્માતે નીચે પટકાવાના કારણે નિર્દોષ નાગરિકોના થઈ રહેલા મોતને પગલે સ્થાનિકોમાં આ બ્રિજ ‘મોતના બ્રિજ’ તરીકે બદનામ થઈ રહ્યો હતો. જોકે, વધતા જતા ગમખ્વાર અકસ્માતોને ડામવા માટે ટ્રાફિક પોલીસની કડક રજૂઆત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ બ્રિજ પર મજબૂત સેફ્ટી ગ્રિલ (સુરક્ષા જાળી) લગાવી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, માત્ર ચાલુ મે મહિનામાં જ આ બ્રિજ પરથી નીચે પટકાવાના કારણે બે નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ, ગુરુવારે મોડી રાત્રે એક આધેડ વયના વ્યક્તિ કોઈ કારણસર બ્રિજ પરથી નીચે રોડ પર ખાબક્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અગાઉ પણ થોડા દિવસો પહેલાં આવી જ એક દુર્ઘટના આ જ બ્રિજ પર બની ચૂકી હતી, જેણે બ્રિજની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા હતા. એક જ મહિનામાં બે-બે લોકોના જીવ જતા ટ્રાફિક પોલીસ વિભાગે આ ગંભીર મામલાની નોંધ લીધી હતી. પોલીસના વિશ્લેષણમાં સામે આવ્યું હતું કે, બ્રિજની પ્રોટેક્શન વોલ (દીવાલ)ની ઊંચાઈ ઘણી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાતા લોકો સીધા નીચે ખાબકતા હતા. આ ખામીને પગલે, ટ્રાફિક પોલીસે મનપાના એન્જિનિયરિંગ વિભાગને લેખિતમાં જાણ કરી તાત્કાલિક સેફ્ટી ગ્રિલ લગાવવા માટે તાકીદ કરી હતી.

ટ્રાફિક પોલીસના રિપોર્ટ અને આકરા વલણ બાદ કોર્પોરેશને મંજૂરી આપીને રાતોરાત બ્રિજ પર પ્રોટેક્શન ગ્રિલ ઇન્સ્ટોલ કરવાનું કામ પૂર્ણ કર્યું છે. ભવિષ્યમાં અકસ્માતના કારણે નીચે પટકાવાથી થતા મોત નિવારી શકાય અને જિંદગીઓ હોમાતી અટકે તે હેતુથી લેવાયેલા આ પગલાંને પગલે સ્થાનિક રહીશો તેમજ રોજેરોજ અહીંથી પસાર થતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચોઃ સિક્કિમ સ્થાપના દિવસની રાષ્ટ્રપતિ મુર્મુએ શુભેચ્છાઓ પાઠવી

Exit mobile version