Site icon Revoi.in

અમદાવાદઃ નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ બીમારીથી કંટાળી કરી આત્મહત્યા

Social Share

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી હતી. નિવૃત્ત પ્રોફેસર કિડનીની બીમારી અને તેમની પત્ની કેન્સરની બીમારીથી પીડિતા હતા. પોલીસને એક સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. નિવૃત્ત પ્રોફેસર સાહિત્ય પણ લખતા હતા. તેમના આત્મહત્યાને પગલે સાહિત્યકારોમાં દુઃખની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. જ્યારે તેમના પત્ની અંજનાબેન ગૃહિણી હતા. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નિવૃત્ત પ્રોફેસર કિડનીની અને તેમની પત્ની કેન્સરની બીમારીથી પીડિતા હતા. દરમિયાન આ વૃદ્ધ દંપતિએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઈડ નોટ મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ સુસાઈડ નોટમાં લખ્યું છે કે બંને લાંબા સમયથી આ રોગથી પીડાઈ રહ્યા છે અને બંનેએ સ્વસ્થ થવા માટે ઘણા યોગ અને પ્રાણાયામ કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ વગર આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવારની પ્રાથમિક પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે અંજનાબેન થોડા સમયથી કેન્સરથી પીડાતા હતા, જ્યારે યોગેન્દ્ર વ્યાસે તાજેતરમાં કિડનીની સર્જરી કરાવી હતી.

પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી. મૃતક દંપતિનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવતો હોવાનું જાણવા મળે છે.