Site icon Revoi.in

અમદાવાદઃ શહેરમાં મનપા સંચાલિત વી.એસ.હોસ્પિટલની બિલ્ડીંગ નહીં તોડાય

Social Share

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં મનપા સંચાલિક વી.એસ.હોસ્પિટલની જૂની બિલ્ડીંગને તોડીને નવી હોસ્પિટલ ઉભી કરવાની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી હતી. એટલું જ નહીં સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, હવે 500 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલની ઈમારતને નહીં તોડવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીઓને મળતી મફત મેડિકલ સારવાર યથાવત રહેશે. હોસ્પિટલની બિસ્માર બનેલી ઈમારતો જ તોડાશે. બિસ્માર બનેલી ઈમારતોથી દર્દીઓને નુકસાન ન થાય એટલે એમને તોડવી જરૂરી છે તેમ મનપાએ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્પોરેશનની બાંહેધરી બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

કેસની હકીકત અનુસાર અઠવાડિયા અગાઉ અમદાવાદ વી.એસ.હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. હોસ્પિટલ બિલ્ડિંગ તોડવાના ટેન્ડરને લઈને હાઈકોર્ટ અમદાવાદ મનપાને આકરા સવાલ કર્યા હતા.

હાઈકોર્ટે હયાત બિલ્ડિંગને તોડવાનું કારણ અને તોડ્યા બાદ શું કામગીરી કરશો એ જણાવવા કહ્યું હતું. તેમજ એક અઠવાડિયા સુધી કોઈ ડિમોલિશન ન કરવાની ખાતરી આપવા અંગે પણ પૂછ્યુ છે. અમદાવાદ મનપાના વકીલે બિલ્ડિંગ જૂની અને બિસ્માર હોવાથી તોડવી જરૂરી હોવાનું જણાવ્યુ હતુ અને બિલ્ડિંગ તોડ્યા બાદની કામગીરી અંગે સૂચના ન હોવાનું જણાવ્યુ છે.

લાંબા સમયથી વી.એસ. હોસ્પિટલને તોડી પાડવાનો વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં જ વીએસ હોસ્પિટલના બિલ્ડંગને તોડી પાડવા મામલે એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ટેન્ડરના હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું.

(PHOTO-FILE)