Site icon Revoi.in

અમદાવાદઃ AMC સંચાલિત સ્કૂલનું નામ ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ નામે નામાભિધાન કરાયું

Social Share

અમદાવાદઃ સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત નિકોલ વિધાનસભા વિરાટનગર વોર્ડની ગુજરાતી માધ્યમની શાળા નંબર -૨નું ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ તેમજ અંગ્રેજી માધ્યમની લીલા નગર પબ્લિક સ્કૂલનું ‘શહીદ વીર શશી પ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપુત’ નામે નામાભિધાન કરવામાં આવ્યું છે.

આ અવસરે મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, ‘ના પરિવારવાદ’, ‘ના જાતવાદ’ આ બધું જ જોયા વગર દેશની રક્ષા કરતા બે યુવાન યોદ્ધાઓ વીરગતિ પામ્યા છે, પણ સદાય એમની સ્મૃતિ આપણી વચ્ચે રહે અને આવનારી પેઢી તેમના બલિદાનને યાદ કરતી રહે, તે માટે આ બંને વીર સૈનિકોને સાચા અર્થમાં આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

આ સંદર્ભમાં મંત્રીએ વધુમાં કહ્યું કે, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સ્વતંત્રતાસેનાની અને શહીદ વીરોનું બલિદાન આવનારી પેઢીઓને યાદ રહે એ માટે ‘મેરી માટી મેરા દેશ’ મહાઅભિયાનની શરૂઆત કરાવી છે. આ કાર્યક્રમ માત્ર શાળા પૂરતો સીમિત નથી, દેશના તમામ જિલ્લા, તાલુકા અને ભારતના દરેક ગામમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ, આ કાર્યક્રમ થકી સાચા અર્થમાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

આ પ્રસંગે સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત તમામ સ્કૂલોમાં સ્વાતંત્ર્ય સેનાની અને શહીદ વીરોની વીર કથાઓ સ્કૂલના બાળકોને ભણાવવાનો તેમજ શહીદ દિન નિમિત્તે શહીદોને યાદ કરીને તેમને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ થાય તેવાં આયોજનો કરવા સૂચન કરતા જણાવ્યું હતું કે, આ રીતે જ દેશના યુવાનો સાચા અર્થમાં વીર શહીદોને યાદ કરીને તેમના બલિદાનની શૌર્ય ગાથાઓ જાણી શકશે.

આ અવસરે મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોને ‘હું ભારતીય છું અને આપણે સૌએ ભારતીય સ્વમાન સાથે જીવવું જોઈએ’ એવી પ્રતિજ્ઞા લેવાની હાંકલ પણ કરી હતી. આ નામાભિધાન કાર્યક્રમ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા તેમજ ‘શહીદ વીર શશી પ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપુતના પરિવારજનોને શ્રદ્ધા સુમન પત્રક અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને શહીદ વીરોને શ્રદ્ધા સુમન અર્પણ પણ કરાયાં હતાં. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું.