Site icon Revoi.in

અમદાવાદમાં ત્રણ દરવાજા,ગાંધી રોડ સહિત બજારોમાં ખરીદદારોની હૈયેહૈયું દળાય એવી ભીડ ઉમટી

Social Share

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરની તમામ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના ત્રણ દરવાજા, ગાંધી રોડ રિલિફ રોડ તેમજ તમામ મોલમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડતા  વેપારીઓને દિવાળી સારી જવાની આશા બંધાઇ છે.શહેરના રાયપુર બજારમાં ફટાકડા સહિત રંગોળી માટેની ખરીદી કરતા નાગરિકો જોવા મળ્યા હતા.

અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા મંદીનો માહોલ જોવા મળ્યો હતો. પણ દિવાળી પર્વ નજીક આવતા જ લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. જોકે મોંઘવારીને લીધે લોકો જરૂરિયાતની જ ચિજ-વસ્તુઓ ખરીદી રહ્યા છે. શહેરના ત્રણ દરવાજાથી લઈને ગાંધી રોડ સુધી તો હૈયેહૈયું દળાય તેવી ભીડ જોવા મળી રહી છે. જ્યારે રાયપુર નજીક ફટાકડા બજારમાં પણ ભીજ જોવા મળી રહી છે. આ વર્ષે ફટાકડાની કિંમતોમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. તેમજ  અન્ય ચીજવસ્તુઓના ભાવો પણ વધ્યા છે. જો કે નાગરિકો ઓછી ખરીદી કરીને પણ તહેવારો ઉજવવા મક્કમ જોવા મળી રહ્યા છે. દિવાળી અને અન્ય તહેવારો પર રાજ્યના 8 મહાનગરોના નાગરિકોને દિવાળી પર્વે રાજ્ય સરકારે નિયમોમાં મોટી રાહત આપી છે અને રાત્રિ કરફ્યૂના નિયમોમાં ફેરફાર કર્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં હવે રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે. એટલે કે દિવાળી, બેસતુ વર્ષ અને છઠ્ઠ પૂજા જેવા કાર્યક્રમોની નાગરિકો હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરી શકશે. પ્રતિબંધોમાં છૂટછાટ સાથે સિનેમાગૃહો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તો સ્નેહમિલન કાર્યક્રમોમાં પણ 400 લોકોને એકઠાં થવાની છૂટ આપવામાં આવી છે.

Exit mobile version