Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાં હવે AI કરશે કેસ લિસ્ટીંગ અને બેન્ચ ફાળવણીનું કામ

Social Share

નવી દિલ્હી, 13 માર્ચ 2026: ભારતની સર્વોચ્ચ અદાલત હવે ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટના વહીવટી કામકાજમાં પારદર્શિતા લાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ ફેરફાર સાથે હવે કેસ લિસ્ટિંગ અને બેન્ચની ફાળવણીમાં માનવીય હસ્તક્ષેપ સંપૂર્ણપણે નાબૂદ થશે. અત્યાર સુધી, કેસની ફાળવણી અને રોસ્ટરનું નિયંત્રણ મુખ્ય ન્યાયાધીશના કાર્યાલય પાસે હતું, જે ઘણીવાર ટીકાઓ અને તપાસના દાયરામાં રહેતું હતું. હવે એઆઈ આધારિત સોફ્ટવેર દ્વારા કેસ લિસ્ટિંગ અને બેન્ચના ફાળવણીનું કામ આપમેળે થશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયામાં શુદ્ધતા અને નિષ્પક્ષતા લાવવાનો છે.

આ સુધારા પાછળનું કારણ સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો છે. તપાસ દરમિયાન બે મુખ્ય ક્ષતિઓ જોવા મળી હતી. રજિસ્ટ્રીના અધિકારીઓ વર્ષો સુધી એક જ પદ પર જળવાઈ રહેતા હતા, જેના કારણે કાર્યક્ષમતા ઘટતી હતી. તેમજ જૂની સિસ્ટમ અને ટેકનોલોજીના અભાવે કેસની ફાળવણીમાં થતી અનિયમિતતાઓ લાંબા સમય સુધી છુપાયેલી રહેતી હતી. સિસ્ટમની ખામીઓને દૂર કરવા અને વર્ષોથી ચાલી આવતી રૂઢિચુસ્ત પરંપરાઓને તોડવા માટે રજિસ્ટ્રી અધિકારીઓની આંતર-વિભાગીય બદલીઓનો અભૂતપૂર્વ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ મહિનાના અંત સુધીમાં બદલીનો બીજો તબક્કો પણ હાથ ધરાશે, જેથી વહીવટી તંત્રને નવું સ્વરૂપ આપી શકાય.

આ સમગ્ર ફેરફારની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈરફાન સોલંકીની એક અરજી પર સુનાવણી દરમિયાન ગંભીર ટેકનિકલ ભૂલ સામે આવી હતી. સોલંકીએ ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર એક્ટને પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે આ કાયદો ‘ભારતીય ન્યાય સંહિતા, 2023’ ની કલમ 111 ના પ્રાવધાનોથી વિપરિત છે. આ કેસની સુનાવણી દરમિયાન સામે આવેલી ભૂલે સિસ્ટમમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત ઊભી કરી હતી. આ નિર્ણયને ન્યાયિક સુધારાની દિશામાં એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે, જે કોર્ટની કામગીરીમાં પારદર્શિતા વધારવામાં મદદરૂપ થશે.

 

Exit mobile version