Site icon Revoi.in

ઈજનેરી કોલેજોમાં 15મી સપ્ટેમ્બરથી નવા સત્રનો પ્રારંભ, AICTEએ જાહેર કર્યું એકેડેમિક કલેન્ડર

Social Share

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન (એઆઈસીટીઈ) દ્વારા આગામી વર્ષ માટે વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે,  જેમાં 10 જૂન સુધીમાં કોલેજોને મંજૂરી આપવી કે રદ કરવી તેની જાહેરાત કરી દેવાશે. દરેક રાજયોમાં 15 સપ્ટેમ્બર પહેલા પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. એટલે કે, 15મી સપ્ટેમ્બરથી ઈજનેરી કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ થશે. જોકે, કાઉન્સિલ દ્વારા જે સમયમર્યાદા આપવામાં આવી છે તેના કારણે પહેલાં સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે માત્ર ત્રણ માસ મળે તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એઆઈસીટીઈ દ્વારા દર વર્ષે વાર્ષિક  એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરવામાં આવે છે. આ કેલેન્ડર પ્રમાણે દરેક રાજયોએ પોતાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. ચાલુ વર્ષે જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 10મી જુન સુધીમાં કોલેજોને મંજૂરી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. દરેક રાજયોએ 15 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. ટેકનિકલ કોર્સમાં 15મી સપ્ટેમ્બરથી પ્રથમ  સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. પોસ્ટ ગ્રેજયુએશન કોર્સ એટલે કે પીજીડીએમ, પીજીસીએમ જેમાં કોર્સમાં પ્રવેશ માટે 15 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરીને અભ્યાસ શરૂ કરી દેવાનો રહેશે. કોરોના દરમિયાન પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી સત્ર મોડું શરૂ કરવરામાં આવતું હતું પરંતુ હવે કોરોના બાદ પણ સત્ર શરૂ કરવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે.

સ્વનિર્ભર ઈજનેરી કોલેજ સંચાલકોએ જણાવ્યું હતું કે, અગાઉ ઓગષ્ટમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હતી. આ પ્રક્રિયા પણ મોડી હોવાની રજૂઆત કાઉન્સિલ સમક્ષ કરવામાં આવી હતી. કારણ કે મોડા પ્રવેશના કારણે પહેલા સેમેસ્ટરની પરીક્ષા આવે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ તૈયારી કરી શકતા નહોતા. હવે કાઉન્સિલે 15 સપ્ટેમ્બર સુધીમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવા તાકીદ કરી છે. કારણે કે ઈજનેરીની વિવિધ બ્રાન્ચોમાં પ્રવેશ માટે કમિટીએ ત્રણથી ચાર રાઉન્ડ યોજવા પડે છે. ઘણીવાર તો પ્રવેશની કામગીરી પૂર્ણ થયા બાદ નવી કોલેજોને મંજુરી અપાતી હોય છે. તેના લીધે ફરી પ્રવેશની કાર્યવાહી કરવાની ફરજ પડે છે.

Exit mobile version