અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં સવારે ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરમિયાન શહેરમાં પ્રદુષણનું સ્તર વધ્યું છે. અમદાવાદના નવરંગપુરા, પીરાણા અને બોપલ સહિતના વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300થી વધારે છે.
જ્યારે રાયખડનું AQI 256, સેટેલાઈટનું AQI 239, ચાંદખેડાનું AQI 228, લેખવાડાનું AQI 218 પર પહોંચ્યું છે. 200 પર AQI હોવું એ હવામાં પ્રદૂષણનું ખરાબ સ્થિતિ માનવામાં આવે છે. ગિફ્ટ સીટીનું AQI 159 અને રખિયાલનું AQI માત્ર 64 પર છે. આ બંને વિસ્તારમાં હવાનું પ્રદુષણ ઓછું છે. શહેરમાં ઠંડી વધતા હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શિયાળામાં ધૂળના રજકણ હવામાં જલ્દી નીચે બેસે છે. આ ઉપરાંત વાહનોનો ઝેરી ધુમાડો પણ હવામાં ભળે છે. આ બંને પરિબળથી વિઝિબિલિટી ઘટવા સાથે હવાનું પ્રદૂષણ વધે છે.

