Site icon Revoi.in

પ્લેન હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવાની ધમકી, ભારતના તમામ એરપોર્ટ હાઈએલર્ટ પર

Social Share

પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભડકી ઉઠેલા જનાક્રોશ વચ્ચે શનિવારે દેશના તમામ એરપોર્ટો પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શનિવારે મુંબઈમાં એક એરલાઈનના ઓપરેશન સેન્ટરને ફોન પર ધમકી આપવામાં આવી છે કે ભારતીય કેરિયરની એક ફ્લાઈટને હાઈજેક કરી લેવામાં આવશે. ખાસ વાત એ છે કે ફોન કરનારે કહ્યુ છે કે પ્લેનને હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવામાં આવશે.

આ ધમકી બાદ તમામ એરપોર્ટની સુરક્ષાને વધુ મજબૂત કરી દેવામાં આવી છે. આમા પ્લેનમાં સવાર થતા પહેલા પ્રવાસીઓની સઘન તલાશી અને કાર પાર્કિંગમાં જનારા વાહનોની વ્યાપક તપાસ પણ સામેલ છે.

શનિવારે ધમકી ભરેલો ફોન એર ઈન્ડિયાના એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરને આવ્યો હતો. ફોન પર કહેવામાં આવ્યું કે એક ભારતીય એરલાઈન્સની ફ્લાઈટને હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવામાં આવશે. પુલવામા એટેક બાદથી જ એરપોર્ટો પર સુરક્ષા ઘણી ચુસ્ત-દુરસ્ત કરવામાં આવી છે. તેના પછી શનિવારે ધમકી મળ્યા બાદ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ તમામ એરપોર્ટો અને એરલાઈન ઓપરેટરો માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

બીસીએએસનું કહેવું છે કે ટર્મિનલ અને ઓપરેશન ક્ષેત્રોમાં જતા પહેલા કડક તપાસ કરવામાં આવે, એરપોર્ટ પર વાહનોની વ્યાપક તલાશી લેવામાં આવે. તેની સાથે જ પ્રવાસીઓ, સ્ટાફર, સામાન, કેટરિંગ વગેરેની કડક તપાસ કરવામાં આવે. એરપોર્ટના પ્રવેશદ્વાર પર અચાનક થનારી તપાસ વધારવાના પણ નિર્દેશ આપવામાં આવે છે. એરપોર્ટ પરિસરની સુરક્ષાને વધારવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં ક્વિક રિએક્શન ટીમોની તેનાતી પણ સામેલ છે.

જો કે આ ધમકી ભરેલો ફોન નકલી અથવા કોઈની મજાક પણ હોવાની શક્યતા છે. પરંતુ સુરક્ષા એજન્સીઓ આને હળવાશથી લેવાના મૂડમાં નથી. તેવામાં તેઓ સુરક્ષા વ્યવસ્થાને અનુલક્ષીને કોઈ કોરકસર છોડવા માટે તૈયાર નથી. સીઆઈએસએફએ પુલવામા હુમલા બાદ એરપોર્ટોની સુરક્ષાને પહેલા કરતા વધારે કડક કરી દેવામાં આવી છે. હવે તાજેતરના એલર્ટ બાદ સિક્યુરિટીને વધુ કડક કરવામાં આવી છે.