- ‘ભોલા’એ વીકએન્ડ પર પકડી રફતાર
- ફિલ્મનું કલેક્શન 50 કરોડની નજીક પહોંચી
- રામ નવમીના દિવસે સિનેમાઘરોમાં થઈ હતી રિલીઝ
મુંબઈ :’દ્રશ્યમ 2’બાદ અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં અજયે એક્ટિંગની સાથે ડિરેક્ટરની ખુરશી પણ સંભાળી છે. ફિલ્મને વધુ સારી બનાવવા માટે અભિનેતાએ પણ ઘણી મહેનત કરી છે. એક્શનથી લઈને સસ્પેન્સ અને મ્યુઝિક સુધી અજયે ખૂબ જ નજીકથી કામ કર્યું છે. ફિલ્મે શરૂઆતના દિવસોમાં સરેરાશ કલેક્શન કર્યું છે, પરંતુ ભોલાએ વીકેન્ડમાં સારી કમાણી કરી છે.
‘ભોલા’ 30 માર્ચ, રામ નવમીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જોકે ફિલ્મને આ દિવસની છુટીનો વધુ ફાયદો થયો નથી. ફિલ્મે પહેલા દિવસે 11.20 કરોડની કમાણી કરી હતી. આ પછી બીજા દિવસે કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે ભોલાએ 7.40 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજી તરફ શનિવાર અને રવિવારે ભોલા દર્શકોને આકર્ષવામાં સફળ રહી. હવે ફિલ્મનું કલેક્શન 50 કરોડની નજીક પહોંચી ગયું છે. આશા છે કે ભોલા ટૂંક સમયમાં આ આંકડો પાર કરી જશે.
શનિવારે ભોલાએ 12.20 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજી તરફ રવિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે. આ દિવસે ભોલાએ લગભગ 13.48 કરોડનું ઘરેલુ કલેક્શન કર્યું છે. હવે એકંદરે ફિલ્મે 44.28 કરોડનું કલેક્શન કર્યું છે.
ભોલાએ પહેલા વીકએન્ડ પર સારું કલેક્શન કર્યું છે. હવે સોમવારે જો ફિલ્મ આ જ ગતિએ આગળ વધશે તો ફિલ્મ ટૂંક સમયમાં 50 કરોડનો આંકડો પાર કરવામાં સફળ થશે.

