Site icon Revoi.in

ગુજરાતમાં દારૂબંધી હળવી નહીં થાયઃ સી.એમ રૂપાણી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દારૂબંધ હટાવવાની માંગણી થઈ રહી છે. બીજી તરફ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં દારૂના વેચાણને છુટ નહીં આપવાનું જણાવ્યું હતું. તેમજ રાજ્યમાં દારૂબંધીને કારણે જ મહિલાઓ સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને શુભકામના પાઠવી હતી. તેમજ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા નવા ભારતના નિર્માણના સપનાને ભારતને આર્થિક મહાસત્તા-ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરીને પાર પાડવામાં નારી-માતૃશક્તિના દરેક ક્ષેત્રે યોગદાન અને સહભાગીતાથી જ સાકાર કરી શકાશે. રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનની ચુકવણી DBT મારફતે સીધા જ બેંક ખાતામાં ચુકવવાની પારદર્શી પદ્ધતિનો પ્રારંભ રાજ્ય સરકારે કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ વ્હાલી દિકરી યોજના અંતર્ગત દિકરીના જન્મ બાદ તેના અભ્યાસની ચિંતા સરકારે કરીને પહેલા ધોરણમાં પ્રવેશ વેળાએ રૂ. 4 હજારથી શરૂ કરીને 18 વર્ષની ઉંમરે ઉચ્ચશિક્ષણ-લગ્ન માટે કુલ મળીને 1 લાખ રૂપિયા સરકાર વ્હાલી દિકરીઓને આપે છે.

તેમણે દારૂબંધી મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂના વેચાણને છુટ આપી શકાય નહીં. જો છુટ આપવામાં આવે તો મહિલાઓ સુરક્ષિત રહેશે નહીં. દારૂબંધીને કારણે જ આજે પણ રાતના સમયે મહિલાઓ સ્કૂટર લઈને બહાર નીકળી શકે છે. તેમજ નવરાત્રિમાં મોડે સુધી મહિલા-યુવતીઓ માતાજીની આરાધના કરી શકે છે. ગુજરાતની સુરક્ષા માટે દારૂબંધી છે અને રહેશે.