Site icon Revoi.in

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન આપી વિપક્ષની ભૂમિકા ભજવશે

Social Share

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ સોમવારે  ગુજરાત વિધાનસભામાં શપથ ગ્રહણ બાદ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી વિપક્ષમાં રહેશે અને તે રીતે કોંગ્રેસનું સમર્થન કરશે. કોંગ્રેસની સાથે લઈને આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકા ભજવશે. અને અમે લોકોના પ્રશ્નોને વાચા આપીશું.

ગુજરાત  વિધાનસભામાં 156 સભ્યો સાથે ભાજપ સર્વાધિક બહુમતીએ છે, જ્યારે કોંગ્રેસ 17 અને આપ પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાયા છે. આ સિવાય ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપનું સમર્થન કરવાનું જાહેર કર્યું છે. જેમાં બાયડના અપક્ષ  ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, અમે ભાજપમાં જ હતા તેથી હવે ભાજપને જ ટેકો જાહેર કરીશું. આ અંગે ભાજપ તરફથી અમને કોઇ સંદેશ કે સંકેત નથી પણ અમે સામેથી જ સત્તાપક્ષને ટેકો જાહેર કરીએ છીએ. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં ભાજપના ધવલસિંહ ઝાલાએ બાયડ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડીયા જ્યારે માવજી દેસાઇએ ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેમને ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે સસ્પેન્ડ કર્યા હતા. એટલું નહીં ચૂંટણી જીતે તો પણ ફરીથી પક્ષમાં પ્રવેશ અપાશે નહીં તેવી જાહેરાત પણ કરી હતી. એટલે હવે અપક્ષના ત્રણેય ધારાસભ્યોએ બહારથી ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જ્યારે સમાજવાદી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા આમ તો વિપક્ષમાં જ બેસશે, કારણ કે તેમનો પક્ષ તેમને સત્તાપક્ષ સાથે જોડાણ કરવા નહીં દે. બે ટર્મ બાદ આ વખતે એનસીપીએ ટિકિટ ન આપતા તેમણે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો. તેના ચૂંટાયેલા પાંચેય ધારાસભ્યો વિપક્ષની ભૂમિકા ભજવશે. અને વિપક્ષ કોંગ્રેસને સાથ આપશે. જોકે, આપ’ના એક ધારાસભ્યએ ચૂંટાયા બાદ ભાજપ પર પ્રેમ દર્શાવ્યો હતો. અને તેના વિકાસના વખાણ કર્યા હતા. તે સમયે ધારાસભ્ય ભાજપમાં જોડાશે એવું લાગતું હતું પણ સ્થાનિક મતદારોનો વિરોધ થતાં અંતે તેમણે ફેરવી તોળ્યું હતુ. ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હોવાથી તેમણે આપ કે કોંગ્રેસના ધારાસભ્યને તોડવા પડશે નહીં. એટલે વિપક્ષમાં રાહત રહેશે.