Site icon Revoi.in

જ્ઞાનવાપી પરિસરમાં ASIને સર્વે માટે શક્ય તમામ મદદ કરાશેઃ ડીએમ

Social Share

લખનૌઃ જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ સર્વેને લઈને મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે, એટલું જ નહીં મુસ્લિમ પક્ષને સ્ટે આપવાનો પણ ઈન્કાર કર્યો છે, જેથી હવે એએસઆઈ ગમે તે સમયે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે શરૂ કરી શકે છે. બીજી તરફ જ્ઞાનવાપીમાં સર્વે માટે એએસઆઈને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારીઓ વારાણસી ડીએમ એસ.રામલિંગમે દર્શાવી છે. તેમજ કહ્યું કે, એએસઆઈની ટીમ શુક્રવારે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે કરી શકે છે.

જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ સર્વે માટે જિલ્લા કોર્ટે નિર્દેશ કર્યો હતો. જેની સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમજ સર્વેથી મસ્જિદને નુકશાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. એટલું જ નહીં મસ્જિદ 1000 વર્ષ જૂની હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ એએસઆઈએ સર્વે દરમિયાન મસ્જિદમાં કોઈ ખોદકામ કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે હિન્દુ પક્ષે પણ લંબાણપૂર્વકની દલીલો કરીને પોતાનો પક્ષ રજુ કર્યો હતો.

દરમિયાન આજે અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને ઝટકો આપીને સર્વેની મંજુરી આપી હતી. મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં જવા માટે સર્વેની કામગીરી ઉપર સ્ટેની પણ માંગણી કરી હતી. જો કે, હાઈકોર્ટે સ્ટે આપવાનો પણ ઈન્કાર કર્યો હતો. જેથી આગામી એકાદ-બે દિવસમાં જ સર્વે કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની મુસ્લિમ પક્ષે તૈયારી દર્શાવી છે. હાઈકોર્ટના આદેશને ભાજપના સિનિયર નેતા કેશવ પ્રસાદ મિશ્રા સહિતના રાજકીય આગેવાનોએ આવકાર્યો હતો.