Site icon Revoi.in

અમદાવાદમાં 70 ટકા ઘરોમાં બે ડસ્ટબિન આપાયા બાદ વધુ 20 કરોડ ગ્રાન્ટની ફાળવણી

Social Share

અમદાવાદઃ શહેરમાં તમામ રહિશોને ઘરદીઠ બે-બે ડેસ્ટબીન આપવાની યોજના મ્યુનિ.કોર્પોરેશને બનાવી હતી. જેમાં લોકો ભીનો અને સુકો કચરો અલગ રાખીને સફાઈ કામદારને આપી શકે તેવી યોજના અમલમાં મુકવામાં આવી હતી. શહેરમાં 16.50 લાખ ઘરોમાં કચરાના બે ડસ્ટબિન પહોંચાડવા માટે થયેલી કામગીરીમાં હજુ 70 ટકા ઘરોમાં ડસ્ટબિન પહોંચ્યા છે. જ્યારે બાકીના ઘરોમાં ડસ્ટબિન પહોંચે તે માટે મ્યુનિ.ને બીજી વધારાની 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ ગ્રાન્ટમાંથી સોસાયટીઓને લારીઓ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડે 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ફાળવેલી 91 કરોડની ગ્રાન્ટમાંથી મ્યુનિ.એ અગાઉ ડસ્ટબિન માટે રૂ. 25 કરોડની ફાળવણી કરી હતી. જેમાં વધારાના 20.17 કરોડનો ઉમેરો કરી કુલ 45.17 કરોડની ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી છે. આ રકમમાંથી નવા ડસ્ટબિન તથા સોસાયટીઓને ફાળવવાની કચરા માટેની હાથ લારીઓ પણ અપાશે. 16.50 લાખ પૈકી મ્યુનિ. દ્વારા અત્યાર સુધીમાં 14 લાખ ઘરોમાં ડસ્ટબિન પહોંચડ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો  છે. જ્યારે બાકીના ઘરોમાં ડસ્ટબિન પહોંચાડવાના હજુ બાકી  છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં મકાનોમાં પણ સૂકો-ભીનો કચરો અલગ આવે તે માટે બે ડસ્ટબિન ફાળવવામાં આવશે. જેથી સૂકો અને ભીનો કચરો અલગ કરીને આપી શકાય. ઉલ્લેખનીય છેકે, 10 કરોડ જેટલી રકમ તો મ્યુનિ. દ્વારા સોસાયટીઓમાં કચરા માટેની હાથ લારીઓ માટે આપવામાં આવશે. સંખ્યાબંધ ઘરને કચરો અલગ તારવવા હજુ સુધી બે ડસ્ટબિન મળ્યા નથી. બીજી બાજુ કચરો અલગ તારવવા લોકોને આપવામાં આવતાં ડસ્ટબિન હલકી ગુણવત્તાના હોવા અંગે પણ સંખ્યાબંધ ફરિયાદો ઊઠી હતી. થોડા સમય અગાઉ ખાડિયામાં લોકોએ એવી ફરિયાદ કરી હતી કે, અમને આપવામાં આવેલા ડસ્ટબિન સાવ તૂટેલા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં લોકોની એવી પણ ફરિયાદ હતી કે, અમે તો ઘરમાંથી કચરો જુદો પાડીને આપીએ છીએ પરંતુ ડોર ટુ ડમ્પની ગાડીવાળા કચરો ભેગો કરી નાખે છે. કેટલાક વિસ્તારમાં લોકોનું એવું કહેવું હતું કે, ફ્લેટ કે સોસાયટીની બહાર મૂકવામાં આવતા ડસ્ટબિન છાશવારે તૂટી જતા હોય છે.