Site icon Revoi.in

નવસારીની સરકારી કોલેજોના વિદ્યાર્થીઓએ 1000 રૂપિયા જમા કરાવ્યા છતાં હજુ ટેબ્લેટ મળ્યા નથી

Social Share

નવસારીઃ કોલેજોમાં ભણતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની યોજના વર્ષોથી અમલમાં છે. પણ રાજ્યની ઘણીબધી કોલેજોમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ મેળવવા માટે 1000 રૂપિયા જમા કરાવી દીધા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ટેબ્લેટ મળ્યા ન હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં નવસારી જિલ્લાની સરકારી કોલેજોમાં ભણતા 700 છાત્રો પાસેથી નમો ટેબ્લેટ યોજના મુજબ 1,000ની વસૂલાત કરવામાં આવી હતી, પરંતુ તેની સામે ત્રણ વર્ષ પૂરા થઈ ગયાં છતાં પણ વિધાર્થીઓને શિક્ષણ માટે અત્યંત જરૂરી ટેબ્લેટથી વંચિત રાખવામાં આવ્યા છે. જ્યારે ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા હોવાની વાત વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.ત્રણ વર્ષ વિતવા છતાં પણ છાત્રોને ટેબ્લેટનો લાભ ન મળવાથી છાત્રો તેમજ વાલીઓમાં આક્રોશનો માહોલ સર્જાયો છે. અને આજે ફરીવાર વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપીને રજુઆત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની ટેબ્લેટ યોજના મુજબ ગત વર્ષનાં વિધાર્થીઓને શરૂઆતનાં પ્રથમ માસમાં જ ટેબ્લેટ આપી દેવામાં આવ્યા હતા. તેમજ કોરોના કાળમાં જ્યારે કેસ વધ્યા હતા અને ઓનલાઈન ક્લાસ જ્યારે શરૂ થયા ત્યારે ટેબ્લેટના અભાવના કારણે ઓનલાઈન શિક્ષમથી વંચિત રહ્યા હતા.જેથી વિદ્યાર્થીઓ દ્વારા ટેબ્લેટની માંગ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી જિલ્લામાં ગત તા.1લી ઓગસ્ટ 2021નાં દિવસે જ્ઞાન દિવસ નિમિત્તે માત્ર 16 છાત્રોને પ્રતીક રૂપે ટેબ્લેટ આપવામાં આવ્યાહતા.પરંતુ બાકીના હજારો છાત્રોને ટેબ્લેટ મળ્યા નથી. તેથી છાત્રો પાસે માથાદીઠ ઉઘરાવેલા 1 હજાર પૈકીના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અંગેનો ખુલાસો માંગવા માટે વિદ્યાર્થીઓએ સરકાર સામે હવે બાંયો ચઢાવી છે.ભૂતકાળમાં ઘણાં આવેદનો આપવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેથી કલેકટરને કરવામાં આવેલી દરખાસ્તમાં વિધાર્થીઓનાં હિતમાં નિર્ણય લેવામાં આવે વિનંતી સાથે આવેદન આપવામાં આવ્યું હતું..

 

 

Exit mobile version