Site icon Revoi.in

અમદાવાદના સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગ છતાં યે AMCનો ઓનસ્ટ્રીટ પાર્કિંગનો નિર્ણય

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કોન્ટ્રાક્ટરોને લાભ ખટાવવા માટે ધણીવાર અવિચારી નિર્ણયો લેવામાં આવતા હોય છે. શહેરનો સિંધુભવન વિસ્તાર સૌથી વધુ પોશ વિસ્તાર ગણાય છે. સિંધુભવન રોડ પર મોટા શોરૂમ અને કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો આવેલા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે રૂપિયા 96.64 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ મલ્ટિલેવલ પાર્કિંગમાં 400 જેટલી કાર અને 900 જેટલા ટુ-વ્હીલર્સ પાર્ક થઈ શકે તેમ છે. આમ છતાં મ્યુનિના સત્તાધિશોએ ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટેનો અવિચારી નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે મલ્ટીલેવલ પાર્કિંગ ખાલી રહેશે. બીજીબાજુ ઓનસ્ટ્રીટ પાર્કિંગ રાહદીરીઓને તેમજ ટ્રાફિકને અડચણરૂપ બનશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ પર કરોડોના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં પાર્કિંગની સમસ્યાને લઈ સિંધુભવન રોડ ઉપર મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવા માટેનો નિર્ણય લેવાયો હતો. શહેરના પોશ એરિયામાં સિંધુભવન રોડ પર બનાવવામાં આવેલા આ મલ્ટિલેવલ પાર્કિંગના બાંધકામ માટે રૂપિયા 96.64 કરોડ ખર્ચ થયો છે. જગ્યાની જમીન અને બાંધકામ મળી કુલ કિંમત રૂપિયા 315.20 કરોડ જેટલી રકમનો ખર્ચ થયો છે. જો ઓનસ્ટ્રીટ પાર્કિગ કરવામાં આવશે તો મલ્ટિલેવલ પાર્કિગમાં કોઈ વાહન પાર્ક કરવા જશે નહિ. મલ્ટિલેવલ પાર્કિગમાં 391 ગાડીઓ અને 900 જેટલા ટુ-વ્હીલર પાર્ક થઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના અણઘડ આયોજનના કારણે જો હવે ઓનસ્ટ્રીટ પાર્કિગ બને તો આ મલ્ટિલેવલ પાર્કિગ ખાલી રહેશે?.

સૂત્રોના કહેવા મુજબ સિંધુભવનના પોશ ગણાતા વિસ્તારમાં શનિ-રવિ દરમિયાન સૌથી વધારે લોકો આવતા હોય છે. હવે સિંધુભવન રોડ ઉપર વાહન પાર્ક માટે પૈસા ચૂકવવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સિંધુભવન રોડ ઉપર ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે હવે ચાર્જ લેવાનો નિર્ણય લીધો છે. હવે પાર્કિંગના ચાર્જ લેવાના કારણે સિંધુભવન રોડ ઉપર રાત્રે લોકો ફરવા માટે આવતા હોય છે તેની રોનક ઓછી થઈ જશે. મ્યુનિ.ના ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી મુકેશ પટેલના જણાવ્યા મુજબ સિંધુભવન રોડ ઉપર પાર્કિંગ માટે હવે ચાર્જ લેવાનો નિર્ણય કરાયો છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જો સિંધુભવન રોડ ઉપર હવે ક્યાંય પણ વાહન ઊભું રાખવામાં આવશે, પાર્ક કરી અને અંદર બેઠા હશો અથવા બહાર ઊભા હશો તો પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવાનો રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમના એસ્ટેટ વિભાગ દ્વારા સિંધુભવન રોડ ઉપર ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટેના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી છે. સિંધુભવનના બંને તરફના રોડ ઉપર ઓન સ્ટ્રીટ વાહન પાર્કિંગ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેના માટે વાર્ષિક રૂ. 21. 30 લાખ રૂપિયા અપસેટ વેલ્યૂ નક્કી કરવામાં આવી છે. સિંધુભવન રોડ ઉપર બંને તરફ કુલ 108 જેટલાં ટુ-વ્હીલર અને 428 જેટલી ગાડીઓ પાર્ક કરી શકાશે. ટુ-વ્હીલર માટે પ્રથમ બે કલાકના 5 રૂપિયા અને ફોર વ્હીલર માટે 15 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. પાર્કિંગ માટેની જગ્યામાં 40 ટકા જગ્યા પાર્કિંગ અનામત માટે રાખવાની રહેશે. જેમાં જો કોઈ વ્યક્તિ દ્વારા પાર્કિંગ પરમિટ માંગવામાં આવે તો તેને માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક દરથી આપી શકાશે.