Site icon Revoi.in

અમદાવાદમાં પાર્કિગ માટે AMCના નવા નિયમો, હવે ‘કોમર્શિયલ પાર્કિંગ’ની જગ્યાનો ટેક્સ ભરવો પડશે

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે પે એન્ડ પાર્કિંગ માટેના ખાનગી સ્થળોને કોમર્શિયલ ગણીને આકારણી કરીને ટેક્સ વસુલવામાં આવશે. કોઈપણ મિલકતમાં પાર્કિંગ માટે ચાર્જ વસૂલવામાં આવતો હશે, તો તે પાર્કિંગ એરિયા માટે મિલકત ધારકે ટેક્સ ચૂકવવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા તે પાર્કિંગ એરિયાની આકારણી કરવામાં આવશે. આકારણી મુજબ ટેક્સ ચૂકવવાનો રહેશે. જો મિલકત ધારક દ્વારા ફ્રી પાર્કિંગ કરવા દેવામાં આવતું હશે, તો તે પાર્કિંગ એરિયા માટે આકારણી કરવામાં નહીં આવે. શહેરના વિવિધ મોલ- સિનેમા, કોમર્શિયલ બિલ્ડીંગ વગેરે જગ્યાએ જ્યાં પાર્કિંગ માટે ચાર્જ લેવામાં આવશે તે તમામ મિલકતોની આકારણી કરી અને તેનો ટેક્સ મિલકતધારકોએ ચૂકવવો પડશે.

શહેરમાં પાર્કિંગ સ્થળની ટેક્સ આકારણી અંગે AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી અનિશ્ચિતતા ધરાવતી નિતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. વાર્ષિક, અર્ધ વાર્ષિક, માસિક કે ત્રિ-માસિક પાર્કિંગ ફી વસુલતા એકમો પર હવેથી પ્રોપર્ટી ટેક્સ લાગશે. જો પાર્કિંગ ફ્રી હશે તેમને કોઈપણ પ્રકારનો ટેક્ષ લાગશે નહીં. વર્ષોથી કરદાતાઓમાં પ્રવર્તિ રહેલી અનિશ્ચીતતાનો હવે અંત આવશે.

સૂત્રોના કહેવા મુજબ શહેરમાં સિનેમા થિએટરો, મોલ કે કોઈપણ જાહેર સ્થળોએ ખાનગી પ્રોપર્ટીમાં વાહનોને પાર્કિંગ માટેનો ચાર્જ વસુલવામાં આવતો હશે તો તેના પર મ્યુનિ.દ્વારા ટેક્સ લેવામાં આવશે. જોકે અંતે તો આ બોજા વાહનો પાર્ક કરનારા પર આવશે. કારણ કે પે એન્ડ પાર્કિંગના જે દર હશે તેમાં પાર્કિંગના પ્રોપર્ટીધારકો પાર્કિંગના દરમાં વધારો કરી દેશે. એએમસી દ્વારા વાર્ષિક, અર્ધ વાર્ષિક, માસિક કે ત્રિ માસીક પાર્કિંગ ફી વસુલતા એકમો પર હવેથી પ્રોપર્ટી ટેક્સ લાગશે. એએમસીએ જણાવ્યું છે કે જે પાર્કિંગ ફ્રી હશે એમને કોઇપણ પ્રકારનો ટેક્ષ લાગશે નહી.

રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, સિનેમા, કન્ટ્રક્શન, મોલ સહીતના એકમોને આ નિર્ણયનો મોટો ફાયદો થશે. ફ્રી પાર્કિંગ આપવા રહેઠાણમાં શેડ રાખવામાં આવશે તો ટેક્ષ લાગશે નહી, પણ શેડ કાયદેસર હોવો જોઇએ. ગેરકાયદેસર શેડ હશે તો એસ્ટેટ વિભાગ નિયમ મુજબની કાર્યવાહી કરી શકશે. વર્ષોથી કરદાતાઓમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાનો અંત આવશે. (File photo)