અમદાવાદ, 26 એપ્રિલ 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 15 મનતા અને જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારથી જ રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે અમદાવાદ આવ્યાં હતા. તેમજ પરિવાર સાથે તેમણે મતદાન કર્યું હતું. જે બાદ તેમણે પરિવાર સાથે નારણપુરા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ કામેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા માટે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. તેમજ પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે નારણપુરા વિસ્તારમાં આવેલા મતદાન મથક ખાતે મતદાન કરવા ગયા હતા. મતદાન બાદ તેઓ ભાજપના કાર્યકર્તા પરેશ પટેલના નિવાસ સ્થાને ગયા હતા. જ્યાં તેમણે પરેશભાઈ પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતના મતદારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમજ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની જીવનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન બાકી હોવાથી પ્રચાર-પ્રસાર માટે તેઓ પશ્ચિમ બંગાળ રવાના થયાનું ચર્ચાઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. જે દરમિયાન કેટલીક જગ્યાએ હિંસાના બનાવ બન્યાં હતા. હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે. જેથી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં જોરદોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.

