Site icon Revoi.in

વેક્સિનના બે ડોઝના સર્ટી હશે તેવા લોકોને જ AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટમાં પ્રવેશ મળશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના 16 કેસ નોંધાતા મ્યુનિ.કોર્પોરેસનનું આરોગ્ય તેત્ર એલર્ટ બની ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ પુરી થઈ ગઈ છે. છતાં હજી બીજો ડોઝ લીધો નથી. આવતીકાલે 12 નવેમ્બરથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે. AMC દ્વારા આ નિયમ એક મહિના પહેલા લેવાયો હતો. હવે ફરી એકવાર આ નિયમ શરૂ કરાયો છે જોકે કેટલા દિવસ ચેકિંગ થશે તેના પર સવાલ ઊભા થયાં છે.

અમદાવાદ મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે 12 નવેમ્બરથી વેક્સિન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સિવીક સેન્ટર અને મ્યુનિ.કોર્પોરેશનના તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે.

ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 73 લાખ 84 હજાર 693 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 46 લાખ 91 હજાર 647 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 93 હજાર 046 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હૉલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.