- સગીરા પર દુષ્કર્મના ૭ કેસોમાં ૧૦૦ ટકા સજાનો દર, ૬ કેસોમાં ગુનેગારોને આજીવન કેદની ઐતિહાસિક સજા
- તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી: મહત્તમ કેસમાં માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં ચુકાદા આવ્યા
ગાંધીનગર, 7 માર્ચ, 2026 – POCSO crimes આણંદ જિલ્લામાં ગઈકાલે પોક્સોના ગુનામાં વધુ બે ચુકાદા આવ્યા છે જે બંને કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને કેસની તપાસ કરીને આરોપીઓને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરનાર તપાસ અધિકારીએ પોક્સોના સાત કેસમાં ૧૦૦ ટકા સજાનો દર મેળવ્યો છે જે પૈકી છ આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે. આ બાબત એ વાતનો પુરાવો છે કે, ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિજ્ઞાન ક્ષેત્રે નારી શક્તિને કરી રહી છે વધુ સશક્ત
આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી.જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા માર્ચ ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા પોક્સોના ગુનાઓમાં ‘ટોપ ટુ બોટમ’ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ સચોટ તપાસના પરિણામે તમામ ૭ કેસોમાં ૧૦૦% સજાનો દર હાંસલ થયો છે અને આણંદ જિલ્લા પોલીસની ટીમે આ ગંભીર ગુનાઓમાં દાખલારૂપ કામગીરી કરી નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
નોંધનીય બાબત છે કે, તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ ૭ પૈકી ૬ કેસોમાં આરોપીઓને ૨૦ વર્ષની કેદ (આજીવન કેદ) અને દંડની સજા ફટકારવામાં આવી છે. ઝડપી તપાસને કારણે માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં કોર્ટના ચુકાદા આવ્યા છે. ગઈકાલે જ બે મહત્વના કેસોમાં કોર્ટે કડક વલણ દાખવી આજીવન કેદની સજા ફટકારી છે.
આ તપાસમાં પરંપરાગત પદ્ધતિઓની સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો હતો. ‘ઇ-સાક્ષ્ય’ એપ્લિકેશન દ્વારા સાક્ષીઓનાં નિવેદનો અને પંચનામાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું, જેથી ન્યાયિક પ્રક્રિયામાં પુરાવા નબળા ન પડે. આ ઉપરાંત, ક્રાઈમ સીન મેનેજર અને FSLની મદદથી મેળવેલા વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓએ આરોપીઓને સજા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે.
बेटियों को न्याय दिलाने का संकल्प पुलिस इंस्पेक्टर डी.आर. चौधरी की जांच से पॉक्सो के 7 में से 7 मामलों में 100% सजा
आणंद जिले में पॉक्सो जैसे संवेदनशील और गंभीर अपराधों की जांच करते हुए तत्कालीन CPI (पेटलाद डिवीजन) और वर्तमान में बोरसद पुलिस स्टेशन में कार्यरत पुलिस इंस्पेक्टर… pic.twitter.com/6TDgBxXI7l
— Harsh Sanghavi (@sanghaviharsh) March 7, 2026
આણંદ પોલીસની આ સંવેદનશીલ અને ત્વરિત કામગીરીની નોંધ લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ છે કે મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધના ગુનાઓમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં અને ગુનેગારોને કાયદાના કડક પાઠ ભણાવવામાં આવશે.

