Site icon Revoi.in

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન રેડ્ડીની બહેન કોંગ્રેસમાં જોડાયાં

Social Share

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીની પુત્રી અને યુવાજાના શ્રમિક રાયથુ તેલંગણા પાર્ટી (YSRTP)ના સ્થાપક વાય. એસ. શર્મિલા ગુરુવારે અહીં કોંગ્રેસમાં જોડાઈ હતી. શર્મિલાએ તેની વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસ સાથે વિલીનીકરણની પણ જાહેરાત કરી અને કહ્યું કે, તેને જે પણ જવાબદારી આપવામાં આવશે તે નિભાવશે. કોંગ્રેસમાં સામેલ થયેલા વાય.એસ.શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની બહેન છે. આંધ્રપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભા તથા દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન વાય.એસ.શર્મિલા કોંગ્રેસમાં જોડાતા આગામી ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીને રાજકીય અસર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

શર્મિલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ હતી. કોંગ્રેસની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ દેશની સૌથી મોટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે કારણ કે તે તમામ સમુદાયોની સેવા કરે છે અને તમામ વર્ગના લોકોને એક કરે છે.

મંગળવારે હૈદરાબાદમાં તેમની પાર્ટીની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી, શર્મિલાએ કહ્યું હતું કે તે અને પાર્ટીના અન્ય નેતાઓ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિતના ટોચના નેતૃત્વને મળશે અને “મહત્વપૂર્ણ” જાહેરાત કરશે. શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીની નાની બહેન છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવાનું તેમના પિતાનું સપનું હતું અને તેઓ તેમાં યોગદાન આપીને ખુશ થશે. શર્મિલાએ કહ્યું કે તે ખુશ છે કે તે તેલંગાણામાં કોંગ્રેસની જીતનો ભાગ છે. શર્મિલાએ તાજેતરમાં તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

Exit mobile version