Site icon Revoi.in

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત,બારગઢમાં પાટા પરથી ઉતર્યા માલગાડીના 5 ડબ્બા

Social Share

ભુવનેશ્વર : ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

અકસ્માત અંગે ઈસ્ટ કોસ્ટ રેલવેનું નિવેદન પણ આવ્યું છે. રેલવેએ જણાવ્યું કે આ ગુડ્સ ટ્રેન ખાનગી સિમેન્ટ કંપની ચલાવી રહી છે. તે નેરોગેજ સાઈડિંગ પર ચાલતું હતું. રોલિંગ સ્ટોક, એન્જિન, વેગન, ટ્રેન ટ્રેક (નેરોગેજ) સહિત તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કંપની દ્વારા જ કરવામાં આવી રહી છે.

આ પહેલા શુક્રવારે ઓડિશામાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી 187 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

વાસ્તવમાં આ ઘટના બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે બની હતી. અહીં ચેન્નાઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઈનમાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી કોરોમંડલના ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ કોચ નજીકની લાઇન પરથી પસાર થઈ રહેલી યશવંતપુર હાવડા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી.