Site icon Revoi.in

ઉનાળામાં પાકી કેરીનો રસ ઉપરાંત અન્ય આ વાનગીઓ પણ આરોગો

Social Share

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ ફળોના રાજા ‘કેરી’ની સીઝન પણ ખીલી રહી છે. ગુજરાતી ઘરોમાં કેરી માત્ર એક ફળ નથી, પણ એક ઉત્સવ છે. જો તમે પણ આ સિઝનમાં કેરીનો ભરપૂર આનંદ માણવા માંગતા હોવ, તો માત્ર મેંગો શેક સુધી મર્યાદિત રહેવાને બદલે કેરીની આ 6 લિજ્જતદાર વાનગીઓ ચોક્કસ ટ્રાય કરજો.

ગુજરાતમાં કેરીની સિઝન હોય અને ઘરે ‘રસ-પૂરી’ ન બને તે શક્ય જ નથી. કેરીનો રસ બનાવવા માટે પાકી કેરીને ધોઈને છોલી લો અને તેનો પલ્પ (ગર્ભ) કાઢી લો. તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. સ્વાદ અનુસાર ખાંડ, એલચી પાવડર અને એક ચપટી સૂંઠ પાવડર ઉમેરીને ફરીથી સ્મૂધ થાય ત્યાં સુધી ફેરવી લો. ગરમાગરમ ફૂલેલી પૂરી સાથે આ રસનો સ્વાદ લાજવાબ લાગે છે.

પુણેની ફેમસ આ ડ્રિંક ઉનાળામાં ઠંડક આપવા માટે શ્રેષ્ઠ છે. મેંગો મસ્તાની બનાવવા માટે કેરીના પલ્પને દૂધ, વેનીલા આઈસ્ક્રીમ અને ખાંડ સાથે બ્લેન્ડ કરો. એક ગ્લાસમાં પહેલા કેરીના થોડા ટુકડા નાખો, પછી આ મિશ્રણ ઉમેરો. ઉપરથી વેનીલા આઈસ્ક્રીમનું સ્કૂપ મૂકી, ટૂટી-ફ્રૂટી અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

બહારના આઈસ્ક્રીમ કરતા ઘરે બનાવેલો ફ્રેશ મેંગો આઈસ્ક્રીમ વધુ સ્વાદિષ્ટ લાગે છે. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે 1 કપ કેરીનો પલ્પ, 1 કપ ઠંડી વ્હિપિંગ ક્રીમ અને અડધો કપ દળેલી ખાંડ લો. ક્રીમને બરાબર ફીણી લો. તેમાં ખાંડ, વેનીલા એસેન્સ અને કેરીનો પલ્પ હળવા હાથે મિક્સ કરો. આ મિશ્રણને મોલ્ડમાં ભરી 6 થી 7 કલાક ફ્રીઝરમાં સેટ થવા દો.

દહીં અને કેરીનું આ કોમ્બિનેશન દરેક શુભ પ્રસંગની શાન છે. આ બનાવવા માટે મલમલના કપડામાં દહીં બાંધીને 3-4 કલાક લટકાવી રાખો જેથી બધું પાણી નીકળી જાય (મઠો તૈયાર થાય). હવે આ ઘટ્ટ દહીંમાં કેરીનો પલ્પ, કેસર, ખાંડ અને એલચી ઉમેરીને બરાબર ફીણી લો. જ્યાં સુધી તે ક્રીમી ન થઈ જાય ત્યાં સુધી મિક્સ કરો અને પિસ્તાથી સજાવીને પીરસો.

આ દક્ષિણ ભારતની એક પરંપરાગત વાનગી છે જે પાકી કેરીમાંથી બને છે. મમ્બાઝ પ્લીસેરી બનાવવા માટે એક વાસણમાં પાકી કેરીના ટુકડા, પાણી, મીઠું અને હળદર નાખીને ઉકાળો. તેમાં નાળિયેર, લીલા મરચાં અને જીરુંની પેસ્ટ ઉમેરી ધીમી આંચ પર પકાવો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં ફીણેલું દહીં ઉમેરો. અંતમાં નાળિયેર તેલમાં રાઈ, મેથી, સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાનો વઘાર કરો.

બાળપણની યાદ તાજી કરાવતો આમપાપડ પાકી કેરીમાંથી પણ ખૂબ સરસ બને છે. આમપાપડ બનાવવા માટે કેરીના પલ્પને ખાંડ સાથે ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો. હવે એક થાળીમાં તેલ અથવા ઘી લગાવી આ મિશ્રણને પાતળું ફેલાવી દો. તેને 2-3 દિવસ કડક તડકામાં સુકાવો. તૈયાર છે સ્વાદિષ્ટ આમપાપડ, જેના ટુકડા કરીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

Exit mobile version