Site icon Revoi.in

ઉનાળામાં સનસ્ક્રીન સિવાય આ સુપરફૂડ્સ પણ કરશે ત્વચાનું રક્ષણ

Social Share

ઉનાળાની સિઝનમાં આકરો તડકો અને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો માત્ર સ્કીનને ટેન જ નથી કરતા, પરંતુ ધીમે-ધીમે તેને અંદરથી ડેમેજ પણ કરવા લાગે છે. આ જ કારણે ઉનાળામાં લોકો મોંઘા સનસ્ક્રીન, ફેસ જેલ અને લોશન જેવા અનેક સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ફળો અને સુપરફૂડ્સ પણ છે, જે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણો સામે કુદરતી રીતે અંદરથી રક્ષણ પૂરું પાડી શકે છે?

યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરની એક સ્ટડી અનુસાર, આપણી ત્વચાની અંદર પણ એક ‘સ્કિન ક્લોક’ (જૈવિક ઘડિયાળ) હોય છે. આ સિસ્ટમ દિવસ દરમિયાન સૂર્યના કિરણોથી ત્વચાને બચાવવા અને ડેમેજ રિપેર કરવાનું કામ કરે છે. રિસર્ચમાં સાબિત થયું છે કે સવારના સમયે યોગ્ય અને પૌષ્ટિક આહાર લેવાથી સ્કીનની આ કુદરતી રક્ષણાત્મક પ્રણાલી વધુ મજબૂત બને છે.

બ્લુબેરી

બ્લુબેરીને ઉનાળામાં ત્વચા માટે અમૃત સમાન માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે તડકા અને પ્રદૂષણને કારણે ત્વચામાં ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ્સ સામે લડે છે. આ ઉપરાંત તેમાં રહેલું વિટામિન-સી ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે.

તડબૂચ

તડબૂચ ઉનાળામાં નેચરલ સ્કીન પ્રોટેક્ટર તરીકે કામ કરે છે. તેમાં લાઈકોપીન નામનું પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે સૂર્યના UVB રેડિયેશનની અસરને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. નિષ્ણાતોના મતે, સવારે ચહેરો ધોયા પછી તડબૂચનો રસ અથવા તેનો ઠંડો પલ્પ ચહેરા પર લગાવવાથી સ્કીન લાંબો સમય હાઇડ્રેટ રહે છે.

ગાજર અને પાલક

ગાજર અને પાલક જેવી શાકભાજીમાં બીટા કેરોટીન અને પોલિફેનોલ્સ પૂરતા પ્રમાણમાં હોય છે. આ પોષક તત્વો ત્વચાના કોષોને અંદરથી મજબૂત બનાવે છે અને તડકાને લીધે થતા નુકસાન સામે ઢાલ તરીકે કામ કરે છે.

અખરોટ અને ચિયા સીડ્સ

અખરોટ, ચિયા સીડ્સ અને અળસીમાં પ્રચુર માત્રામાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે. તે ત્વચાના કુદરતી ઓઈલ બેરિયરને જાળવી રાખે છે અને ત્વચાને શુષ્ક થતી અટકાવે છે.

ગ્રીન ટી

ઉનાળાની સવારમાં દૂધવાળી ચાને બદલે ગ્રીન ટી પીવાથી ત્વચાને અંદરથી ફાયદો થાય છે. તે સ્કીન સેલ્સના રિપેરિંગની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

સવારના સમયે સેવન કરવું વધુ ફાયદાકારક

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, સવારના સમયે આ તમામ ફળો અને હેલ્ધી વસ્તુઓને સ્મૂધી, સલાડ અથવા ફ્રેશ જ્યુસના રૂપમાં ડાયટમાં સામેલ કરવાથી ત્વચાને બમણો ફાયદો થાય છે. જોકે, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે માત્ર આ ખોરાકના ભરોસે જ તડકામાં નીકળી જવું યોગ્ય નથી. ઉનાળામાં ત્વચાને સંપૂર્ણ સુરક્ષિત રાખવા માટે બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાવવું, પૂરતું પાણી પીવું અને યોગ્ય સ્કિનકેર રૂટિન ફોલો કરવું પણ એટલું જ જરૂરી છે.

Exit mobile version