Site icon Revoi.in

અમદાવાદમાં એસજી હાઈવે પર 42 અને 35 માળના બે હાઈરાઈઝ પ્રોજેક્ટને મંજુરી

Social Share

અમદાવાદ: શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. ત્યારે હવે ગગનચૂંબી ઊચી ઈમારતો બનાવવાની મંજુરી પણ આપવામાં આવી રહી છે, શહેરમાં પશ્વિમ વિસ્તારમાં હાલ 14 માળ,22 માળ અને 32 માળની હાઈરાઈઝ બિલ્ડિંગો બની રહી છે. જેમાં વધુ બે ગગનચુંબી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં એસજી હાઈવે પર બનનારી આ બે બિલ્ડિંગમાંથી એક 42 માળની જ્યારે બીજી 35 માળની હશે. કહેવાય છે. કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા બંને પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ છે. 42 માળની બિલ્ડિંગ 145 મીટર જ્યારે 35 માળની બિલ્ડિંગ 138.95 મીટર ઉંચી હશે. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાયન્સ સિટી તેમજ એસજી હાઈવે પર પણ બે હાઈરાઈઝ બિલ્ડિંગને મંજૂરી મળી છે. એસજી હાઈવે શહેરનો કોમર્શિયલ હબ બની રહ્યો છે. વળી, આ આખોય વિસ્તાર એરપોર્ટથી ઘણો દૂર આવેલો હોવાના કારણે અહીં હાઈરાઈઝ બિલ્ડિંગો ઉભી કરવામાં કોઈ સમસ્યા નડતી નથી. અમદાવાદમાં હાલ 70 મીટરની ઉંચાઈ ધરાવતા ઘણા રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ ટાવર બની ચૂક્યા છે, પરંતુ આગામી સમયમાં તેમનાથી પણ બમણી ઉંચાઈ ધરાવતી બિલ્ડિંગો બનવા પર હાલ કામ ચાલી રહ્યું છે. એટલે મુંબઈની જેમ અમદાવાદમાં પણ 35થી 42 માળની બિલ્ડિંગો જોવા મળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં હાઈરાઈઝ બિલ્ડિંગો માટે ખાસ જોગવાઈઓ કરી છે. આગામી દિવસોમાં સુરતમાં પણ ગ્રાઉન્ડ પ્લસ 27 માળ ધરાવતી 105.30 મીટર ઉંચી બિલ્ડિંગ બનવા જઈ રહી છે. આ બિલ્ડિંગ સરકારી અધિકારીઓ માટે બનાવવામાં આવી રહી છે અને તે ગુજરાતની સૌથી ઉંચી સરકારી ઈમારત પણ હશે.(file photo)