Site icon Revoi.in

રાજ્યમાં સ્ક્રેપીંગ પોલીસી હેઠળ 23 લાખ જેટલા વાહનો ભંગારમાં ફેરવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સ્ક્રેપીંગ પોલિસી હેઠળ લગભગ 23 લાખથી વધારે વાહનો ભંગારમાં ફેરવાઈ જશે. જેથી રાજ્યમાં પાંચ જેટલી સ્ક્રેપીંગ ફેસીલીટીને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની જનતાને પરિવહનની વધારે સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા આગામી દિવસોમાં બે હજાર જેટલી નવી બસોની ખરીદી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી દિવસોમાં રાજ્યના માર્ગો ઉપર 50 જેટલી ઈ-બસો દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાહન મંત્રી હર્ષ સંઘવીએ વાહન સ્ક્રેપીંગ પોલિસી અંગે જણાવ્યું કે, હાલ નોંધાયેલાં અંદાજીત 23 લાખ વાહનો આ પોલિસી હેઠળ સ્ક્રેપ થશે. સ્ક્રેપ સેન્ટરના નિર્માણ અર્થે ઓનલાઇન એક વિન્ડો પદ્ધતિ વિકસાવવાની કામગીરી હાલ કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરાઈ છે. રાજ્યમાં કુલ પાંચ સ્ક્રેપીંગ ફેસીલીટીને મંજુરી આપવામાં આવી છે.

મંત્રી સંઘવીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં ગયા વર્ષના બજેટ કરતા આશરે ત્રણ ગણી વધુ બજેટની જોગવાઈ કરવામાં આવી  છે. આગામી સમયમાં નવી 2000 બસો ખરીદવાનું લક્ષ્યાંક નિયત કરાયો છે. જે તબક્કાવાર સેવાઓમાં મૂકાશે તેમજ રાજ્યમાં 50 ઈલેકટ્રીક બસો ચાલુ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનય છે કે, અમદાવાદ શહેરમાં પરિવહન માટે તંત્ર દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. મનપા તંત્ર દ્વારા બીઆરટીએસ સેવામાં અનેક ઈ-બસો શરૂ કરી છે. જ્યારે આગામી દિવસોમાં એએમટીએસમાં પણ ઈ-બસ દોડવા અંગે વિચારણા ચાલી રહી છે. અમદાવાદ ઉપરાંત સુરત જેવા શહેરોમાં પણ ઈ-બસો દોડાવવા અંગે કામગીરી ચાલી રહી છે.