Site icon Revoi.in

પોલીસ કસ્ટડીમાંથી પિતા અતિકને ભગાડવા માટે અસદ દિલ્હી-મુંબઈમાં પૂર્વ સાગરિતોને મળ્યો હતો

Social Share

નવી દિલ્હીઃ અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટરમાં નોઈડા એસટીએફની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે, જે દિલ્હીથી જ તેનો પીછો કરી રહી હતી. અસદ પિતા અતિક અહેમદને પોલીસ કસ્ટડીમાંથી ભગાડવા માંગતો હતો. જે બાદ બંને દેશ છોડીને ભાગી જવાની તૈયારીઓ પણ અસદે કરી હતી. પોલીસના મતે પોલીસ જાપ્તા ઉપર હુમલો કરીને અસદે પિતા અતક અહેમદને ભગાડવાનું કાવતરુ ઘડ્યું હતું.

સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશપાલની હત્યા બાદ અસદ પહેલા કાનપુર આવ્યો હતો અને પછી કાનપુરથી તે દિલ્હી પહોંચ્યો હતો. અસદ અહીં 19 દિવસ રોકાયો હતો. આ દરમિયાન તે તેના પિતા અતીકના જૂના સાથીઓને શોધવા અને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

મુંબઈમાં કેટલાક લોકોનો સંપર્ક કર્યા પછી, અસદ અને ગુલામ 20માં દિવસે દિલ્હીથી નીકળ્યા અને ત્યાંથી અજમેર થઈને પહેલા મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં થોડા દિવસ રહ્યા પછી બંને નાસિક ગયા અને ત્યાં થોડા દિવસો રહ્યા હતા. જે બાદ બંને પરત મુંબઈ ફર્યાં હતા. અસદ અને ગુલામ કાનપુરથી મુંબઈ થઈ ઝાંસી પહોંચ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર અસદ તેના પિતા અતિકને પોલીસ કસ્ટડીમાંથી ફરાર કરી વિદેશ લઈ જવાની ઈચ્છા સાથે નાસિક અને મુંબઈ ગયો હતો. તેની યોજના એવી હતી કે પ્રયાગરાજથી અમદાવાદ જતા રસ્તામાં પોલીસ કાફલા પર હુમલો કરી તેના પિતાને પોલીસ કસ્ટડીમાંથી ભગાડવા માંગતો હતો જે બાદ બંને પિતા-પુત્ર આ દેશ છોડી દેવાના હતા. આ માટે તેણે મુંબઈમાં અતીકના કેટલાક જૂના નજીકના મિત્રોનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તે પોતાની યોજના પૂરી કરે તે પહેલા જ તે એસટીએફની ગોળીઓનો શિકાર બની ગયો હતો.

STF અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોળી પછી એવી અટકળો હતી કે અસદ અને તેના સાથીદારો દિલ્હી-NCRમાં હોઈ શકે છે. આના પર નોઇડા એસટીએફની ટીમે તેને શોધવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેમને ઇનપુટ મળ્યું કે અસદ થોડા દિવસો માટે દિલ્હીમાં રોકાયો છે. નોઈડા STF તરફથી મળેલા ઈનપુટ બાદ દિલ્હી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમને નોઈડા STFને સોંપ્યા છે. તેની પૂછપરછ કર્યા પછી જ મેરઠમાં અતીકના સાળાના ઘરે શૂટર્સ આવવાની અને ત્યાંથી પૈસા મેળવવાની માહિતી મળી હતી. નોઈડા એસટીએફ આ આરોપીઓની પૂછપરછ કર્યા બાદ જ અસદ વિશે માહિતી એકઠી કરી શકી હતી.