Site icon Revoi.in

રાષ્ટ્રીય બાલિકા દિને નિમિત્તે તેજસ્વીની વિધાનસભા યોજાઈ, વિદ્યાર્થિનીઓએ ગૃહનું કર્યું સંચાલન

Social Share

ગાંધીનગરઃ રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથેસાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર બુધવારે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. સમગ્ર દેશમાં વિદ્યાર્થિનીઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરવામાં આવ્યું હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે. લોકશાહીના મૂલ્યોને વધુ મક્કમ બનાવતું ગુજરાત વિધાનસભાનું આ અનેરું સોપાન છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરીએ સૌને અભિનંદન પાઠવતા કહ્યું કે, આજે ગુજરાતની આ દીકરીઓએ જે આત્મવિશ્વાસ સાથે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું છે, તે જોઈને ચોક્કસ પણે કહી શકાય કે ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. રાજ્યનું દ્રશ્ય બદલાયું છે, ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ જો આવી તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી.

તેમણે તેજસ્વિની વિધાનસભાને સંવિધાનની સેવરૂપ કાર્યક્રમ ગણાવતા ઉમેર્યું કે, વિદ્યાર્થિનીઓ વિધાનસભા ગૃહમાં બેસીને તેનું સંચાલન કરી ભારતની લોકશાહી પ્રણાલીનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે અને લોકશાહી પ્રણાલી વધુ લોકભોગ્ય બને તે માટેનો આ કાર્યક્રમ ખરેખર સરાહનાને પાત્ર છે. માત્ર આ દીકરીઓ જ નહિ, પરંતુ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ આ તેજસ્વિની વિધાનસભા કાર્યક્રમ નિહાળી શકે તે પ્રકારનું સફળ આયોજન મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ થયું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ મહિલાશક્તિને ન્યૂ એઇજ પાવર તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તાજેતરમાં નારીશક્તિ વંદન અધિનિયમ સંસદમાં પસાર કરાવીને વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને 33 ટકા આરક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. પોલિટીકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને ચિંધ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ મોક વિધાનસભા ‘તેજસ્વિની એસેમ્બલી’ને ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક પ્રસંગ ગણાવતા કહ્યું કે, આજની તેજસ્વિની વિધાનસભામાં બાલિકાઓ દ્વારા કરવામાં આવેલા ગૃહના સંચાલન ઉપરથી વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ગુજરાતની બહેનો ઘર જ નહિં, ગામ, શહેર, નગર પંચાયત કે જિલ્લાની શાસનધૂરા પણ સંભાળે છે એવી રીતે ભવિષ્યમાં પણ જનપ્રતિનિધિત્વ કરી રાજ્ય અને દેશનું જનપ્રતિનિધિત્વ કરશે.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યની દીકરીઓ માટે એક યાદગાર અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા સૂચવ્યું હતું. જેના પરિણામે સમગ્ર રાજ્યની દીકરીઓને જોડીને આજે “તેજસ્વિની વિધાનસભા”નું સફળ આયોજન થયું છે.