Site icon Revoi.in

હળવદ પાસે પૂરફાટ ઝડપે જતી ફોર્ચ્યુનર કાર પલટી જતા બે મહિલા સહિત ત્રણનાં મોત

Social Share

મોરબીઃ   જિલ્લાના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. હળવદ તાલુકામાં આવેલા નવા ધનાળા ગામ પાસે કાર રોડ સાઈડથી નીચે ઉતરી પલ્ટી જતા કારમાં મુંબઇથી કચ્છ જતા સવાર પાંચ વ્યક્તિઓ પૈકી કચ્છની બે મહિલા સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજયા છે અને બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે હળવદ ખસેડવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના હાઈવે પર વાહન અકસ્માતોએ માઝા મૂકી હોય તેવો ઘાટ જોવા મળે છે અને દરરોજ કોઈને કોઈ રોડ ઉપર અકસ્માતમાં જીવનદીપ બુજાય છે તે રીતે જ આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના નવા ધનાળા ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં મહારાષ્ટ્ર પાર્સિંગની ટોયોટા ફોચ્ર્યુનર કાર નંબર એમએચ 4 એફપી 5051 રોડ ઉપરથી નીચે ઉતરી જતા કારમાં બેઠેલા કુલ પાંચ લોકો પૈકી બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું અને બે લોકોને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હળવદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હળવદ માળિયા હાઈ વે પર ધનાળા થી પ્રતાપગઢ વચ્ચે પ્રતાપ ગઢ ના પાટીયા નજીક ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી પલટી મારી જતા રોડ નીચે ઉતરી ગઈ હતી જોકે ગાડીની સ્પીડ વધુ હોવાથી ઘટનાસ્થળે જ અકસ્માત મા 3 લોકો ના મૃત્યુ થયા હતા તેમજ 2 ઇજાગ્રસ્ત થયા હતા  મૂળ કચ્છના રાપર તાલુકાના દેસલપર ગામના વતની લોકો મહારાષ્ટ્રથી કચ્છ જતાં હતા ત્યારે અકસ્માતનો બનાવ સર્જાયો છે જેમાં સમુબેન વસ્તાભાઇ પટેલ, રમેશભાઈ વસ્તાભાઇ પટેલ અને મોંઘીબેન માનાભાઈ પટેલના મોત નિપજ્યાં હતા અને રૂત્વીક માનાભાઈ પટેલ અને વસ્તાભાઇ નારણભાઇ પટેલને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હળવદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ વસ્તાભાઇ નારણભાઇ પટેલને તેનો દીકરો રમેશભાઈ વસ્તાભાઇ પટેલ સહિતના પરિવારજનો કચ્છના દેસલપર ગામ મૂકવા માટે જતાં હતા ત્યારે ધનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણનાં મોત નિપજ્યાં હતા. જે વૃધ્ધને ઘરે મૂકવા માટે જતાં હતા તે અને એક યુવાનને ઇજા થતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.