Site icon Revoi.in

અમદાવાદના દરિયાપુરમાં વીજચેકીંગ કરવા ગયેલી ટીમ પર હુમલો, પોલીસ સહિત 7 ઘવાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં કેટલાક લઘુમતી વિસ્તારોમાં વીજળીની બેરોકટોક ચોરી થતી હોવાનું ટોરેન્ટ કંપનીના ધ્યાન પર આવતા શહેરના દરિયાપુર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ દરમિયાન ટોરેન્ટના કર્મચારીઓ અને પોલીસ પર સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈ જઈને હૂમલો કર્યો હતો. જેમાં ટોરેન્ટના ચાર કર્મચારીઓ અને પોલીસના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયાં હતાં. આ બનાવની જાણ થતા અન્ય પોલીસ કાફલો બોલવવાની ફરજ પડી હતી. સમગ્ર બનાવમાં પોલીસે જવાબદારો સામે ગુનો નોંધીને કોર્યવાહી કરવા પ્રયાસ શરૂ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના  દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને થઇ હતી. તેની સાથે આ વિસ્તારમાં વીજચોરી સંદર્ભે સર્ચ કરવા માટે તેમણે પોલીસની મદદ માંગી હતી. તેમજ મોટા પ્રમાણમાં વીજચોરીને પકડવા માટે ખાસ સર્ચ હાથ ધર્યુ હતુ. આજે સવારે દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતીઆ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ જવાનને ઇજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થવાની જાણ થતા અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.  મહિનાઓ પહેલા જુહાપુરામાંથી પણ વીજ ચોરી પકડવામાં આવી હતી.  વીજચોરો સામે હવે ટોરેન્ટ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.