Site icon Revoi.in

અમદાવાદમાં શાહીબાગમાં પરોઢે ગરબાના લાઉડ સ્પીકર બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો,

Social Share

અમદાવાદઃ  શહેરના શાહીબાગ વિસ્તારમાં હીરાલાલની ચાલીમાં દેવ દિવાળીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં લાઉડ સ્પીકરની રાતના 10 વાગ્યા સુધી મંજુરી આપવામાં આવી હતી. પરંતુ વહેલી પરોઢ સુધી લાઉડ સ્પીકર ચાલુ હોવાથી કોઈએ પોલીસ કંન્ટ્રોલરૂમને ફોન કર્યો હતો. આથી ગરબા બંધ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગરબાના આયોજક અને ગરબા રમનારા ખેલૈયાઓએ જીવલેણ હુમલો કરતા એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને 12 લોકોની કરી ધરપકડ છે. જેમાં આરોપી સોનુ ભીલ, મિતેશ ભીલ, હિરેન ભીલ, સચિન કહાર, કૌશિક ઘટાડ, મનીષ ઠાકોર, ભાવના ભીલ, ટીના રાણા તથા લાઉડ સ્પીકર વગાડનાર શૈલેષ પટણીની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાની પરવાનગી શાહીબાગ પોલીસે 10 વાગ્યા સુધીની આપી હતી તેમ છતાં ચાલીના રહિશોએ વહેલી સવાર સુધી ગરબા ચાલુ રાખ્યા હતા. જેથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા શાહિબાગ પોલીસની એક ટીમ ગરબાના લાઉડ સ્પીકર બંધ કરવા માટે પહોંચી હતી ત્યારે હીરાલાલ ચાલીના લોકોએ પોલીસને ગરબા બંધ કરવાનો ઇનકાર કરતા પોલીસે સાથે ઘર્ષણ કરવાનું શરુ કર્યું હતું. જેમાંથી ટોળાએ પોલીસની ટીમ પર ઘાતકી હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં PCR ના ઈન્ચાર્જ ASI અરવિંદ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.

પોલીસ પર હુમલા કેસમાં શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળું વિખેરી હુમલો કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને હુમલો અને રાયોટિગનો ગુનો નોંધીને બે મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરી હતી જ્યારે 2 આરોપી મીના ગુડ્ડી અને ચિરાગ ભીલ ફરાર હોવાથી શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે,  શાહીબાગ પોલીસની ટીમ પર થયેલા હુમલામાં  ASI અરવિંદ ચાવડાને હાથના ભાગે ફેક્ચર અને માથાના ભાગે ઈજાઓ થઈ છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાની ઘટના વધી રહી છે. ગુનેગારો અને અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ડર નથી તેમ પોલીસને પડકાર ફેકીને ગુના આચરી રહ્યા છે. પોલીસ પર થયેલા હુમલા કેસમાં શાહીબાગ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.