અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નોંધ લીધી છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ પાંચ કરોડ પ્રવાસીઓ આવે છે. વર્ષ 2019માં 5.88 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ, ગુજરાતમાં 2019માં કુલ 5.88 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જે દેશના કુલ પ્રવાસીઓના 2.5 ટકા છે. વર્ષ 2017માં 4.83 કરોડ અને 2018માં 5.43 કરોડ પ્રવાસીઓ ગુજરાત આવ્યાં હતા. આ ઉપરાંત વર્ષે સરેરાશ 5 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. દર વર્ષે ગુજરાતમાં આવતા પ્રવાસીઓમાં 8થી 10 ટકાનો ગ્રોથ રેટ છે. દેશમાં સૌથી વધુ પ્રવાસીઓએ તાજમહલની મુલાકાત લીધી હતી. 2018-19માં 56 લાખ પ્રવાસીઓ તાજમહલ આવ્યા હતા. આવી જ રીતે 34 લાખ લોકોએ લાલ કિલ્લો, 26 લાખ લોકોએ કુતુબ મિનાર, 24 લાખ લોકોએ કોણાર્ક સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અત્યાર સુધી 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. સાસણ ગીરમાં છેલ્લા બે વર્ષમાં 7 લાખ મુલાકાતીઓ આવ્યા હતા. દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. રાજીવકુમાર ગુપ્તાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. કોરોનાકાળમાં થોડો સમય પ્રવાસીઓ માટે બંધ રહ્યા બાદ ફરી સ્ટેચ્યૂ આજે પ્રવાસીઓ માટે સૌથી પસંદગીનું પ્રવાસન સ્થળ બની રહ્યું છે.