Site icon Revoi.in

અયોધ્યાઃ શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે રામલલાની આરતીના સમયમાં કર્યો ફેરફાર

Social Share

અયોધ્યાઃ પ્રભુ શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે. આજે સવારે ધુમ્મસનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તો અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. વહીવટી તંત્ર ભક્તોને તબક્કાવાર ભગવાનના દર્શન કરાવી રહ્યાં છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામજીના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને મંદિરની બહાર વહેલી સવારથી જ ભક્તોની લાંબી ભીડ જોવા મળે છે. બીજી તરફ શ્રીરામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ ભક્તોની ભીડ જોઈને શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકે તે માટે આરતીના સમયમાં પણ ફેરફાર કર્યાં છે. જેના પગલે વધારેમાં વધારે શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવના દર્શન શાંતિથી કરી શકે.

વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું હતું કે, રામલલાની મંગળા આરતી સવારે 4.30 કલાકે અનેશ્રૃંગાર આરતી સવારે 6.30 કલાકે કરવામાં આવશે. જે બાદ ભક્તો સવારે 7 કલાકથી મંદિરમાં પ્રભુ શ્રી રામના દર્શન કરી શકશે. ભોગ આરતી બપોરના 12 કલાકે, સંધ્યા આરતી સાંજે 7.30 કલાકે અને રાતના 9 કલાકે ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની શયન આરતી 10 કલાકે કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ ભગવાનના સરળતાથી દર્શન કરી શકે તે માટે સતત સમયમાં પરિવર્તન કરી રહ્યું છે. એટલું જ નહીં મંદિરમાં પ્રવેશવાના પ્રવેશદ્વાર પણ બેથી વધારીને છ કરવામાં આવ્યાં છે. અયોધ્યા ઝોનના આઈજી પ્રવીણકુમરે જણાવ્યું હતું કે, અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યાં છે. ગઈકાલે  3 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતા. અમે તમામ વ્યવસ્થાઓ ઉભી કરી રહ્યાં છે. વહીવટીં તંત્ર દ્વારા પણ શ્રદ્ધાળુઓની સુવિધાઓને લઈને સતત કામગીરી કરવામાં આવી રહી છે.