નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સના પહેલા દિવસે ભારતે પાકિસ્તાનને છ મેચમાં હરાવ્યું હતું. બોક્સિંગમાં એક મેચ અને બેડમિન્ટનમાં પાંચ મેચમાં હાર આપી હતી. ભારતે પાકિસ્તાનને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં 5-0થી હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાની બેડમિન્ટન ખેલાડી માહુર શહેજાદનું દર્દ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે, જો અમારી પાસે ભારત જેવી સુવિધાઓ હોત તો અમે પણ સારું પ્રદર્શન કર્યું હોત. માહુર શહેજાદએ વિશ્વની દિગ્ગજ ખેલાડી પીવી સિંધુનો સામનો કર્યો હતો. સિંધુએ તેને 21-7, 21-6થી પરાજીત કરી હતી.
માહુરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “ભારત બેડમિન્ટનમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે. તેણે ગત વખતે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. સિંધુ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. અમે તેમની પાસેથી શીખીએ છીએ.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ભારતીય સ્તરની એક પણ બેડમિન્ટન એકેડમી નથી. અમારે જાતે જ તૈયારીઓ કરવાની હોય છે. અમારે ત્યાં રમત-ગમત ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારા દેશની હાલત યોગ્ય નથી. બેડમિન્ટનમાં પાકિસ્તાનનો એક પણ ખેલાડી ભારતીય ખેલાડીઓની સામે ટકી શક્યો નથી.
મિક્સડ ટીમ ઈવેન્ટની પ્રથમ મેચમાં સુમિત રેડ્ડી અને અશ્વિની પોનપ્પીની જોડીએ ઈરફાન ભાટી અને ગઝાલા સિદ્દીકીની જોડીને 21-9, 21-12થી પરાજય આપ્યો હતો. આ પછી કિદામ્બી શ્રીકાંતે પુરૂષ સિંગલ્સમાં મુરાદ અલીને 21-7, 21-12થી હરાવ્યો હતો. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ પાકિસ્તાનની માહુર શહજાદને 21-7, 21-6થી હરાવીને ટીમ ઈન્ડિયાને 3-0ની સરસાઈ અપાવી હતી. આમ પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું હતું. જ્યારે બીજા દિવસે વેટલિફ્ટીંગમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો હતો.