Site icon Revoi.in

પાકિસ્તાન આર્મીના 45 જવાનોને ઠાર માર્યાનો બલૂચ લિબરેશન આર્મીનો દાવો

Social Share

નવી દિલ્હીઃ આર્થિક કટોકટીમાંથી પસાર થતા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે, દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર પણ તણાવ ભરી પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન બલુચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચલાવી રહેલા બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના ઉપર હુમલો કરીને 45 જવાનોને ઠાર માર્યા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. એટલું જ નહીં જો કોઈ સૈન્ય ઓપરેશન કરવામાં આવશે તો આકરી કાર્યવાહી ધમકી પણ પાકિસ્તાન આર્મીને આપવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાને આર્મી ઉપર થયેલા હુમલાની વાત સ્વિકારી છે પરંતુ હુમલામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનો દાવો કર્યો હતો.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે, આ હુમલામાં 45 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે બલૂચ સરકારના સૂચના મંત્રીએ સેનાના જવાનોના મોતના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) બલૂચિસ્તાનની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરી રહી છે. પાકિસ્તાન સરકાર તેને આતંકવાદી સંગઠન ગણાવે છે. BLAએ દાવો કર્યો છે કે, તેણે બલોચના માચ વિસ્તારમાં 45 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. પ્રાંતીય સરકારનું કહેવું છે કે, સુરક્ષા દળોએ માર્ચમાં બલૂચ આર્મી દ્વારા કરાયેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

BLAના પ્રવક્તા ઝિયાંદ બલોચે જણાવ્યું કે, રાત્રે ઓપરેશન દારા-એ-બોલાનમાં તેમણે બલૂચિસ્તાનના બોલાન જિલ્લામાં ઓછામાં ઓછા 45 પાકિસ્તાની સૈનિકોને માર્યા છે. BLAએ દાવો કર્યો છે કે, તેણે બોલાનના માચ શહેરમાં ઓછામાં ઓછા 45 પાકિસ્તાની સૈનિકોને માર્યા છે. જેલ અને રેલ્વે સ્ટેશન સહિત અનેક જગ્યાઓ કબજે કર્યાં છે. એક રિપોર્ટ અનુસાર, બલૂચ આર્મીના પ્રવક્તા ઝિયાંદ બલોચે કહ્યું હતું કે, આ હુમલાઓ ઓપરેશન દારા-એ-બોલાન હેઠળ થયા છે. માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેના કબજામાં છે. BLAના પ્રવક્તાએ ધમકી આપી હતી કે, જે કોઈ ઓપરેશન દારા-એ-બોલાનને રોકવાનો પ્રયાસ કરશે તેને ખતમ કરી દેવામાં આવશે.

બલૂચ આર્મીના હુમલાને સ્વીકારતા બલૂચિસ્તાન સરકારના માહિતી મંત્રી જાન અચકઝાઈએ કહ્યું હતું કે, પાકિસ્તાની સુરક્ષા દળોએ સોમવારે રાત્રે માછ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, આતંકવાદી અસલમ અચો ગ્રુપ સાથે સંકળાયેલો હતો. આ હુમલાઓમાં કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી. અમારા કોઈપણ સૈનિકને ઈજા થઈ નથી. મંત્રીએ દાવો કર્યો છે કે મંગળવાર સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.