Site icon Revoi.in

ગુજરાતમાં કાલે રવિવારે સાંજના 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે , ચૂંટણી પંચ બન્યુ સજ્જ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મે ના રોજ મતદાન યોજાશે.અને  5મી મેને રવિવારે સાંજના 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાતં પડી જશે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર પ્રતિબદ્ધ છે.  લોકોને મતદાન માટે જાગૃત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલય દ્વારા 15 દિવસ માટે સઘન મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે કાલે તા.05 મે ને રવિવારે  સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા ‘Run for Vote’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદાર જાગૃતિના બેનર્સ સાથે લોકોને અચૂક મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ Heat Wave ની સ્થિતીને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓની સુવિધા, પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. મતદાનના દિવસે ગરમી અને Heat Wave ની સ્થિતીને પહોંચી વળવા National Disaster Management Authority દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવા  મતદારોને અપીલ કરી છે.