Site icon Revoi.in

ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજના પૂર્ણ ન થતાં લાભાર્થીઓને 12 ટકા વ્યાજ ચૂકવવા આદેશ

Social Share

ગાંધીનગરઃ શહેર નજીકના કુડાસણ ખાતે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ(ગુડા) દ્વારા મૂકવામાં આવેલા એમઆઇજી-1 પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહીં થતા અને લાભાર્થીઓને સમયસર આવાસનો કબજો સોંપવામાં નહીં આવતા ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી હતી, જેના પગલે રેરાએ શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને  12 ટકા લેખે વિલંબિત વ્યાજ લાભાર્થીઓને ચૂકવી આપવા આદેશ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કુડાસણ ટી.પી.સ્કીમ નં.6ના ફાઈનલ પ્લોટ નં.171 માં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત એમ.આઈ.જી – 1 ટાઈપનાં આવાસોની સ્કીમ મૂકવામાં આવી હતી. આ માટે લાભાર્થીઓએ અરજી કર્યા બાદ વર્ષ 2017માં ડ્રો મારફતે જુદા જુદા યુનિટ ફાળવવામાં આવ્યા હતા. ગુડા દ્વારા આ પ્રોજેકટની નોંધણી 22 જુદી જુદી ઓથોરીટી સમક્ષ કરવામાં આવી હતી. પરંતુ ગુડા દ્વારા દર્શાવેલા સમયમર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ ન થતા ગુડા તરફથી 2/3 એલોટીઓની સહમતી વિના પ્રોજેકટ પૂર્ણ થવાની તારીખ લંબાવવા માટે અરજી કરવામાં આવી હતી. જે મુજબ પ્રોજેકટ પૂર્ણ થવાની નવી તા.30/12/2021 જાહેર કરાઈ હતી. આ પ્રોજેક્ટ ગુડા દ્વારા ડીસેમ્બર- 2919 સુધીમાં પૂર્ણ કરવાનો હતો પરંતુ સમયસર પુરો નહીં થવાથી અને નિયમ મુજબ 2/3 (બે તૃતિયાંશ) એલોટીઝની સહમતી લેવામાં નહીં આવી હોવાથી 9 જેટલા લાભાર્થીઓએ રેરામાં અરજી કરી હતી. જેના પગલે રેરાએ વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજના સામે ફરિયાદી દ્વારા રેરામાં એવી પણ ફરિયાદ કરવામાં આવી હતી કે રેરા દ્વારા આવાસનો વેચાણ દસ્તાવેજ કરી આપવાને બદલે 99 વર્ષનું કન્વેયન્સ ડીડ કરી આપવામાં આવે છે. જેના બદલે આવાસનો વેચાણ દસ્તાવેજ કરી આપવો જોઇએ. જેની સામે રેરાએ ચૂકાદામાં નોંધ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા લાભાર્થીઓની તરફેણમાં વેચાણ દસ્તાવેજ નહીં પણ કન્વેયન્સ ડીડ કરી આપવાની જોગવાઇ છે જેથી વેચાણ દસ્તાવેજ કરી આપવાનું ફરમાવી શકાય નહીં. રેરા એક્ટમાં પણ કન્વેયન્સ ડીડની જોગવાઇ છે, જેથી ફરિયાદીની રજૂઆત ગ્રાહ્ય રાખવા પાત્ર નથી.(file photo)