Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હજુ મંજુરી નથી મળી પણ કેટલાક પદયાત્રિઓએ પ્રયાણ શરૂ કરી દીધું

Social Share

અંબાજી :  સુપ્રસિદ્ધ યાત્રાધામ  શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હોય છે. સાત દિવસના આ મહામેળામાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી મા અંબેના દર્શન કરે છે. નવરાત્રિ   દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. ભક્તો ધજા ઉંચકીને મંદિર સુધી પહોંચતા હોય છે. ગત વર્ષે કોરોનાને કારણે મેળાને મંજુરી આપવામાં આવી નહતી. અને આ વર્ષે પણ મેળાને મંજુરી આપવામાં આવે તેમ લાગતું નથી. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે લોકોની ભીડ એકઠી ન થાય તે માટે અગમચેતિ રાખવી જરૂરી છે.

યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો લગભગ 14 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. પણ કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે તેમ લાગી રહ્યું છે. જોકે ગત વર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા. પણ આ વખતે મેળો બંધ રહેવાની દહેશતના પગલે યાત્રિકોએ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારીને લઈ 14 સપ્ટેમ્બરથી શરૂ થનારો મેળો શ્રદ્ધાળુઓની સુખાકારી અને સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ મુલતવી રહી શકે છે. એટલું જ નહિ, કદાચ મંદિર પણ બંધ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે યાત્રિકો તે પૂર્વે જ મા અંબેના દર્શન કરી લેવા અને મંદિરના શિખરે ધજા ચઢાવાનું વહેલું નક્કી કર્યું છે. એક મહિના પહેલા જ યાત્રિકો ધજા લઈ અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજીના માર્ગો પર જતા ‘બોલ માડી અંબે જય જય અંબે…’ ના નાદથી ગુંજવા લાગ્યા છે.

ભાદરવી પૂનમ વખતે પદયાત્રીઓ માટે ચા-નાસ્તા અને જમણવારના નિઃશુલ્ક સેવા કેમ્પો શરૂ થતા હોય છે. પણ આ વખતે પદયાત્રીઓ પોતાની યાત્રા વહેલા શરૂ કરી દીધી છે. પણ એક પણ સેવાકેમ્પ જોવા મળતા નથી. પણ સેવાભાવી લોકો દ્વારા પોતાના વાહનોમાં દવાઓ લઈ પદયાત્રીઓની સેવા કરી રહ્યાં છે. જોકે કોરોનાની ત્રીજી લહેર આવે જ નહિ, પણ શ્રદ્ધાળુઓની સુખાકારી માટે અંબાજીનો મેળો બંધ રહે તેવું યાત્રિકો પણ ઈચ્છી રહ્યા છે. ( ફાઈલ ફોટો)