Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી પુનમનાં મેળાનો સોમવારથી પ્રારંભ, દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

Social Share

અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે  દર વર્ષે ભાદરવી પુનમના યાજોતા મેળાને હવે એક દિવસ બાકી રહ્યો છે. ભાદરવી પુનમનો મેળો  કાલે સોમવારે 5મી સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી છ દિવસ ચાલશે. આ મેળામાં આવતાં લાખ્ખો પદયાત્રીઓને શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાનાં છ દિવસ માટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનનાં સમયમાં પણ વધારો કરાયો છે.

અંબાજી મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળાનાં છ દિવસ સવારની આરતી 05.00 થી 05.30 સુધી થશે. સવારે દર્શન 05.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30 થી રાતનાં 09.00 ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં શરુ થતા ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મીની વેકેશન જાહેર કરાયું છે. અંબાજી ભરાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન કાયદોને વ્યવસ્થા જાળવવા હજારોની સંખ્યામાં આવતા સુરક્ષા કર્મીઓને રહેવા માટેની સુવિધાઓ પુરી પાડવા આ શાળાઓનો ઉપયોગ કરાતો હોવાથી આ શાળાઓમાં રજા પાડી દેવામાં આવી છે.  દાંતા તાલુકામાં મેળાના બંદોબસ્તને લઈ 45 જેટલી શાળાઓનો ઉપયોગ કરાતા તમામ શાળાઓમાં 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી શાળાઓને સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા માટે વહીવટીતંત્રને સોંપી દેવા જિલ્લા શિક્ષણ અધિકારીના પાઠવેલા પત્ર અનુસાર આ તમામ શાળાઓમાં 10 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં અંબાજીમાં ભરાતા મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો વચ્ચે વાલીઓ પણ પોતાના નાના બાળકોને શાળાએ મોકલતા નથી. જેને લઈને પણ શાળાઓમાં બંધ જેવો જ માહોલ હોય છે.