Site icon Revoi.in

ભારત માલા પ્રોજેક્ટઃ થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો ભારે વિરોધ

Social Share

મહેસાણાઃ ભારતમાલા પ્રોજેક્ટનો બનાસકાંઠામાં વિરોધ બાદ હવે મહેસાણા જિલ્લાના ખેડુતોમાં પણ વિરોધ ઊભો થયો છે. થરાદથી અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન કરવાની છે. આ એક્સપ્રેસ-વે મહેસાણા જિલ્લામાંથી પસાર થવાનો છે. આ સૂચિત હાઈવે 213.80 કિમી અને અંદાજે 160 ગામોમાંથી પસાર થવાનો છે. જેમાં ખેડૂતોની હજારો એકરની જમીન સંપાદન કરવાની છે. જેથી હવે ખેડૂતો પણ આ મામલે લાલઘૂમ જોવા મળ્યા હતા. જમીન સંપાદન મામલે મહેસાણામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલી યોજી હતી. મહેસાણા જિલ્લાના થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ મહેસાણામાં રેલી યોજાઈ હતી. બાદમાં આ રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને ગાંધીનગરને સ્પર્શતા ભારતમાલા પ્રોજેક્ટમાં થરાદ- અમદાવાદ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદનથી ખેડૂતો ભૂમિહિન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુજલામ સુફલામ કેનાલના પાયા નષ્ટ કરશે ત્યારે આ એક્સપ્રેસ વે રદ્દ કરોના સૂત્રોચ્ચાર સાથે મહેસાણામાં ત્રણ જિલ્લાના એકઠા થયેલા ખેડૂતોએ રેલી યોજી હતી. મહેસાણા તાલુકા પંચાયત સંકુલથી આધી રોટ્ટી ખાયે ગે જમીન બચાયેગે, જય જવાન જય કિશાન,ખેડૂતોને સહકાર આપોના નારા સાથે અસરગ્રસ્ત ખેડૂતોની વિશાળ રેલી નિકળી હતી, જેમાં મહિલા ખેડૂતો પણ જોડાઇ હતી અને કલેકટર કચેરીએ પહોચીને ચીટનીશ ડી.કે ધ્રવને સંપાદન સામે વિરોધના 11 મુદ્દા સાથે આવેદન આપીને સરકાર સમક્ષ પહોચાડવા અનુરોધ કર્યો હતો.ખેડૂતોએ હવે આગામી લડત કાર્યક્રમ ગાંધીનગર જાહેર કર્યો છે.

અત્રે મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના 30 ગામના એકત્રીત ખેડૂતોને સંબોધન કરતાં ખેડૂત અગ્રણી વિપુલ પટેલે જણાવ્યુ હતુ કે, માત્ર થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે થી જમીન ગુમાવનાર ખેડૂતો જ નહિ હાલ બજારના વેપારીઓ પણ મુશ્કેલીમાં મૂકાશે.તેમજ ફેન્સિગ રોડ બનનાર હોઇ ઉ.ગુ બે ભાગમાં વહેચાશે.રોડ બનશે તો ખેડૂતોની પથારી વળી જશે. ગાંધીનગરના ખેડૂત દિપકભાઇએ વિસ્તારના 45 ગામના ખેડૂતની જમીન આ પ્રોજેક્ટમાં જઇ રહી હોવાનું જણાવ્યુ હતું.