Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 22મી નવેમ્બરથી પરિભ્રમણ કરશે

Social Share

સુરેન્દ્રનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને સરકારની વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 22થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના તમામ ગામોમાં ફરીને લોકોને માહિતી આપશે. જેના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે  જણાવ્યું હતું કે, જનસેવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારી આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓના લાભો મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવાનો છે. સરકારની વિવિધ યોજનાઓની માહિતી જિલ્લાના તમામ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સુચના આપી હતી. વધુમાં તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જિલ્લા સ્તરથી ગ્રામ્ય સ્તર સુધી સુચારું આયોજન ગોઠવવામાં આવે તે બાબતે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો મહત્તમ લોકો સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવા પણ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતુ.

આ ઉપરાંત તેમણે યાત્રા દરમિયાન લાભો મળવાપાત્ર હોય એવા લાભાર્થીની નોંધણી કરવા અને વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થકી લોકોની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.22 નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે. જે જિલ્લાના 570 ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે અને રોજના બે ગામોમાં મુકામ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. પરિભ્રમણના રૂટ પણ ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઓમાં પાત્રતા ધરાવતા એકપણ લાભાર્થી છૂટી ન જાય એ દિશામાં પ્રયત્નો કરવા તેમણે દરેક અધિકારીઓને સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન,સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના,અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે. સરકારની આ 17 જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 22થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને પાંચ આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે.