Site icon Revoi.in

ભાવનગરના એરપોર્ટને બંધ નહીં કરાય, 15મી એપ્રિલથી ફલાઈટ ઉડાન ભરશે

Social Share

ભાવનગરઃ શહેરને નિયમિત વિમાની સેવા મળતી નથી. ફ્લાઈટ શરૂ કરવામાં આવ્યા બાદ મહિના-બે મહિનામાં પેસેન્જરો મળતા નથી એવા બહાને ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવતી હોય છે. ભાવનગરથી વિમાની સેવા આગામી તા.27 માર્ચથી બંધ થઇ રહી છે ત્યારે સ્પાઇસ જેટની ભાવનગરની વિમાની સેવા આગામી તા.15 એપ્રિલ,2022થી પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સાંસદ ભારતીબેન શિયાળના પ્રયાસોથી વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરના સાંસદ ડો.ભારતીબહેન શિયાળે જણાવ્યું હતુ. કે સ્પાઇસ જેટની વિમાની સેવા ભાવનગર-મુંબઇ વચ્ચે હાલ સપ્તાહમાં 3 દિવસ માટે છે તેના બદલે હવે દરરોજ, નિયમિત રીતે શરૂ થશે. હાલમાં વિમાનનું રિપેરિંગ કામ હોવાથી આ સેવા બંધ રહેશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ આ પ્રશ્ને સક્રિયતા દાખવી હતી. સ્પાઇસ જેટ ભાવનગરથી દિલ્હી વચ્ચે અને ભાવનગરથી સુરત વચ્ચે પણ વિમાની સેવા શરૂ કરશે ભાવનગરની વિમાની સેવાના પ્રશ્ને મેં સંસદમાં પણ અવાજ ઉઠાવ્યો હતો. કેન્દ્રીય એવિએશન મંત્રી જ્યોતિરાજે સિંધીયા રોમાનિયામાં હતા પણ તેઓએ તાકીદે અગત્યના પત્ર સંબંધે તેમને રજૂઆત કરી હતી. રોમાનિયાથી રાત્રે 3 કલાકે ભારત પરત ફર્યા બાદ સવારે 9 કલાકે મંત્રીએ સાંસદને જણાવ્યું હતુ કે ભાવનગર એરપોર્ટને બંધ નહીં થવા દેવાય તેમજ સ્પાઇસ જેટની સેવા ચાલુ રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી-ભાવનગર વચ્ચેની ફ્લાઇટમાં પેસેન્જરો પૂરતા પ્રમાણમાં નહીં મળતા હોવાથી આ વિમાની સેવા ખોરંભે ચડી છે. વિમાની સેવાનો ભાવનગરને પૂરતો લાભ મળશે પણ સાથોસાથ નાગરિકો, ઉદ્યોગપતિઓએ તેમજ શિપબ્રેકરોએ પણ વિમાની સેવામાં પૂરતા મુસાફરો મળે તે માટે સક્રિય સહયોગ આપે તે માટેની જાગૃતિ અત્યંત આવશ્યક છે. વિમાની સેવા અંગે લોક જાગૃતિ માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રયત્નોને બિરદાવી હતી.