Site icon Revoi.in

ભાવનગરના અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને ક્સ્ટમની ખોટી કનડગતથી ઉદ્યોગકારો પરેશાન

Social Share

ભાવનગરઃ જિલ્લામાં રોજગારી આપતો એક માત્ર અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ છે. અલંગની આજુબાજુના વિસ્તારોમાં શીપના ભંગારમાંથી રિસાઈકલિંગનો ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગે વ્યાપક મંદીનો સામનો કર્યા બાદ હવે વિદેશોમાંથી મોટાશીપ બ્રેકિંગ માટે આવી રહ્યા છે. શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદી બાદ તેજી આવતા વેપારીઓ પણ હાશ અનુભવી રહ્યા હતા ત્યારે કસ્ટમ દ્વારા ખોટીરીતે વેપારીઓની કનડગત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે. નાની નાની બાબતોમાં શિપિંગ એજન્ટો અને શિપ રીસાયકલર્સને હેરાનગતિ કસ્ટમ્સ તંત્ર દ્વારા કરાઇ રહી હોવાની બૂમ  છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અલંગમાં છેલ્લા ચાર મહિનામાં માત્ર 21 જહાજ જ અલંગમાં ભંગાણાર્થે આવ્યા હતા, અને શિપ રીસાયકલિંગ ઉદ્યોગ પણ ડચકાં ખાઇ રહ્યો હતો. તેવા અરસામાં નવેમ્બર મહિનાથી સળવળાટ જોવા મળી રહ્યો છે, અને છુટક જહાજ આવવાની શરૂઆત થઇ છે. જહાજ આવવાની શરૂઆત થતા જ નાની નાની ટેકનિકલ બાબતોના વાંધા-વચકા કાઢી અને કસ્ટમ્સ તંત્ર જહાજને રોકી રાખતું હોવાની રાવ ઉઠી રહી છે. જહાજ એક ટાઇડ ચૂકી જાય તો અન્ય મોટી ભરતી આવવાની રાહમાં 15 દિવસનો સમય લાગે છે, અને તે દરમિયાન જહાજના અંતિમ ખરીદનારોને મોટી રકમના વ્યાજના ચકરડાં ચડવા લાગે છે. ભાવનગર કસ્ટમ્સ તંત્ર દ્વારા ક્ષુલ્લક બાબતોએ શિપિંગ એજન્ટો અને જહાજના અંતિમ ખરીદનારાઓને હેરાનગતિ નહીં કરવા વચલો રસ્તો અપનાવવા દબાણ થતું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં માંડ તેજી આવી છે, ત્યારે કસ્ટમના કેટલાક અધિકારીઓ દ્વારા વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક મોટા વેપારીઓએ આ અંગે કસ્ટમ કમિશનરને પણ રજુઆત કરી છે.  કસ્ટમના અધિકારીઓ દ્વારા ક્ષુલ્લક વાંધાઓ કાઢીને જહાંજને રોકી રાખવામાં આવે છે. એટલે વેપારીઓને નુકશાન થઈ રહ્યું છે. (file photo)